દોઢ કરોડથી વધુ બાળકોના આરોગ્યની ૪૫ દિવસ તપાસ

502

નવજાત શિશુથી લઈને ૧૮ વર્ષની વય ધરાવતા બાળકોના આરોગ્યની ચિંતા કરીને પ્રતિ વર્ષે રાજ્યભરમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ ૨૭મી નવેમ્બર ૨૦૧૮થી ૧ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધી ૪૫ દિવસ યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યભરના નવજાત શીશુથી લઈને ૧૮ વર્ષની વય ધરાવતા, શાળાએ જતા અને શાળા એ નહી જતા ૧.૫૯ કરોડથી વધુ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં યોજાયેલ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમની સ્ટીયરીંગ કમિટિની બેઠકને સંબોધતા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે કહ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી જ આ કાર્યક્રમ શરૂ કરાયો છે અને રાજ્ય સરકાર સામે ચાલીને શાળામાં જઇને બાળકોના આરોગ્યની તપાસ કરે છે. સારવાર બાદ સ્પેશ્યાલીટી સારવાર પણ વિના મૂલ્યે પૂરી પડાશે તથા ઓપરેશન સહિતનો તમામ ખર્ચ પણ ભારત સરકારના સહયોગથી રાજ્ય સરકાર ઉપાડશે. આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, સહિત પ્રધાન મંડળના સભ્યો, જિલ્લા મથકોએથી કરાવશે.

કાર્યક્રમ હેઠળ આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, આશ્રમશાળાઓ, કસ્તુરબા શાળા, અનાથ આશ્રમ, વિકલાંગ, અંધજન, બહેરામુંગા, ચિલ્ડ્રન હોમ, મદ્રેસા, કેન્દ્રિય વિદ્યાલય સહિતની કુલ ૧,૧૧,૧૪૬ સંસ્થાઓમાં આરોગ્ય તપાસણી કરાશે.

કાર્યક્રમ હેઠળ ગત વર્ષે ૧,૫૫,૧૪,૮૯૯ બાળકોના આરોગ્યની તપાસ કરીને ૯૯ ટકા સિદ્ધિ હાંસલ કરાઇ હતી. જેમાં ૧૯,૬૧,૮૯૦ બાળકોને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી તથા ૧,૮૪,૧૪૮ બાળકોને સંદર્ભ સેવાનો લાભ અપાયો છે. ૯૯,૨૧૦ બાળકોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત ૨૨,૯૩૨ બાળકોને હૃદયરોગ, ૩૫૦૮ બાળકોને કિડનીરોગ, ૧૮૪૩ બાળકોને કેન્સર રોગ, ૬૨૬ ક્લેપ લીપ/પેલેટ, ૫૩૦ ક્લબ ફૂટની સારવાર અપાઇ હતી. જ્યારે ૨૫ બાળકોને કિડનીનું પ્રત્યારોપણ, ૫૦૧ કોકલીયર ઇમ્પલાન્ટ તથા ૨૮ બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાઇ હતી.

Previous articleગુજરાત EC : રાજકીય જાહેરાતો પ્રસારિત કરતાં પહેલાં મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સમક્ષ મંજૂરી મેળવવી ફરજિયાત
Next articleઅમદાવાદ નજીક જાપાનની ત્રણ કંપનીઓ કરશે ૮૦૦ કરોડનું રોકાણ