દહેગામ તાલુકાના ગામો પ્રદુષણથી ત્રાહીમામ : આંદોલનની ચીમકી

704

દહેગામ તાલુકાના સાંપા ગામના કાળીપુર ગામે આવેલી બાહેતી મેટલ્સ દ્વારા કરવામાં આવતા પ્રદુષણ મુદ્દે સમાચાર પત્રોમાં અહેવાલ બાદ પીસીબીના અધિકારીઓ આવી અને સૂચન કરી જતા રહે છે. બબ્બે વખત આવા સૂચનો બાદ પણ ફેકટરી દ્વારા કરવામાં આવતા વાયુ પ્રદુષણ અને જળપ્રદુષણ મુદ્દે હજુ સુધી કોઈ પણ નક્કર પગલાં લેવાયા નથી. સ્થાનિક લોકો દ્વારા વારંવાર અધિકારીઓ અને પીસીબીને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ખેડુતો અને ગ્રામજનો દ્વારા ભેગા મળી અને હવે સહીઓ સાથે અધિકારીઓને રજૂઆત કરવા જઈ રહયા છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ફેકટરી દ્વારા સવારના ચાર વાગ્યે અને રાત્રીના દસ વાગ્યે પુષ્કળ પ્રમાણમાં ધુમાડો છોડવામાં આવે છે. પ્રદુષણ એટલી હદે હોય છે કે લોકો એકબીજાને જોઈ પણ શકતા નથી. એક ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રદુષણની અસર સીધી પાક ઉપર થઈ રહી છે. તેના ખેતરમાં આવેલા આંબાના ઝાડમાં મોર આવતા બંધ થઈ ગયા છે અને આ નુકશાન દીવસે દિવસે વધતું જાય છે. સ્થાનિક આગેવાનોની મીલી ભગતના કારણે પણ કોઈ અધિકારી અમારૂ સાંભળી રહયા ન હોય તેવી પણ શક્યતાઓ ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવી છે.

સમાચારપત્રોમાં અહેવાલ બાદ અધિકારીઓ દોડી આવે છે અને ખબર નહીં શું થાય છે કે સૂચન કરી અને પાછા જતા રહે છે. હાસ્યાસ્પદ વાત તો એ છે કે વાયુ પ્રદુષણ કરતી આ કંપનીને પ્રદુષણ અટકાવવા માટે ખેતરો બાજુ આવેલી દિવાલો ઉંચી કરી લેવાનો નિર્દેશ પીસીબી વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે હવે દિવાલો વાયુમાં થતાં પ્રદુષણને કેમ અટકાવશે એ કળા કોઈ પીસીબીના અધિકારીઓ પાસેથી જ શીખવા જેવી છે. આ કંપની દ્વારા આવતા વાયુ અને જળ પ્રદુષણને અટકાવવામાં નહીં આવે તો ખેડૂતો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહયા છે. કાલીપુર સહિત અહમદપુરા, સાંપા, મહાકાળી ફાર્મ, ચાપલપુર, જેવા અનેક ગામોને આ ફેકટરી દ્વારા પ્રદુષણનો ભોગ બની રહયા છે.

Previous articleએન એસ એસ ના સ્વયંસેવકોએ અનોખી રીતે ખુશી વ્યક્ત કરી
Next articleગંદકીથી ખદબદતા દહેગામ ST ડેપોના શૌચાલયથી લોકો પરેશાન