સરકારે જ ફાળવેલા બારદાન વેર હાઉસમાં રિજેક્ટ : મગફળી ભરેલી ૩ ટ્રક પરત મોકલી

773

મેઘરજમાં સરકારી તંત્રમાં સંકલનના અભાવે ખેડૂતોની હાલત કફોડી થઈ છે. મેઘરજ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના બારદાન ફાટેલા હોવાનું બહાનું ધરી સરકારી અધિકારીઓએ બાયડના વેર હાઉસથી પરથી પરત મોકલતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

મેઘરજ ખાતે એ.પી.એમ. સી. નાગરીક પુરવઠા દ્વારા લેવાતા મગફળીના ટેકાના ભાવની ૪૭૩ બોરીઓ બાયડથી પરત આવતાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. રાજ્ય નાગરીક પુરવઠા નિગમ દ્વારા મેઘરજ માર્કેટયાર્ડમાં છેલ્લા પંદર દિવસથી ટેકાના ભાવથી મગફળી કેન્દ્રનું શરૃઆત કરવામાં આવેલ છે.

અત્યાર સુધી તાલુકાના ૫૦ જેટલા ગામડાઓમાં ૩૩૦ જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. અને ૮૦ જેટલા ખેડૂતોની મગફળીના માલનું ચેકીંગ અધિકારીઓ દ્વારા કરી મગફળી ખરીદવામાં આવી છે.

પરંતુ રાજ્ય સરકારના નિગમ દ્વારા અપાયેલા ૩૬૦૦ જેટલા બારદાનો મેઘરજમાં ઉતરવામાં આવેલા હતા જેમાંથી ૯૦ ટકા બારદારનો રફ હોવાના કારણે ન છુટકે આજે ત્રણ ટ્રકો મેઘરજથી ભરવામાં આવી હતી. તેમાંથી ત્રણેય ટ્રકોમાં ૪૭૫ જેટલી મગફળીની બોરીઓ ભરવામાં આવી હતી.

આ મગફળીનો જથ્થો બાયડ ખાતે વેર હાઉસ મોકલવામાં આવેલ હતો પરંતુ આ મગફળીની બોરીઓ નીચે ઉતારવામાં આવતાં ફરજ ઉપરના અધિકારીઓએ મગફળી ભરેલા બારદાનો ફાટેલા હોવાના કારણે આ ત્રણેય ટ્રકો બાયડથી પરત આવ્યા છે.

જેમાં ત્રણ ટ્રકોમાંથી ૪૭૫ જેટલી બોરીઓ જેમાં હજારો કવીન્ટલ હોવાનું બહાર આવેલ છે. એક તરફ માવઠાની ઋતુ શરૃ થઈ છે ત્યારે આ મગફળીનો જથ્થો પરત આવતાં મેઘરજ માર્કેટયાર્ડમાં વહીવટદારો આ જથ્થો ક્યાં મુકીએ તે સવાલ પેદા થયેલ છે.

તાત્કાલીક રાજ્ય સરકારે નવીન બારદાનો મેઘરજ માર્કેટયાર્ડમાં મોકલવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠી છે. આ લખાય છે ત્યારે સંખ્યાબંધ ખેડૂતો સમી સાંજ સુધી માર્કેટયાર્ડના ચોગાનમાં ટ્રેક્ટરો, ટેમ્પાઓ પાસે પોતાનો માલ લઈને ઉભા રહે છે.

મેઘરજ ખાતેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી ભરેલી ત્રણ ટ્રકો વેર હાઉસથી પરત મોકલાઈ હતી ત્યાંના અધિકારીઓએ બારદાન ફાટેલા હોવાનું જણાવી માલ પરત મોકલાયો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ઉતાવળમાં મરચા ભરવાના બારદાન મોકલાતા આ સ્થિતિ નિર્માણ પામી છે.

Previous articleકોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવામાફીને લઈને સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
Next articleરેલવેમાં ૫ થી ૧૨ વર્ષના બાળકની હવે અડધી ટિકિટ : સીટ નહીં મળે