એકવીસમી સદી એ માહિતીની સદી છે. ડીજીટલ યુગમાં લોકો પાસે સરળતાથી માહિતી મેળવવાના અનેક સ્ત્રોતો ઉપલબ્ધ છે. લોકોને પ્રજાના પ્રતિનિધિ એટલે કે ધારાસભ્યો અને સંસદસભ્યોની કામગીરી અને કાર્યવાહીની સચોટ, સમયસર અને સરળતાથી એક જ જગ્યાએ તમામ માહિતી મળી રહે તે માટે દેશભરના ૪૦ વિધાનમંડળોને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવતી નેશનલ ઇ-વિધાન એપ્લીકેશન (નેવા) ભારત સરકારના સંસદીય કાર્ય મંત્રાલય દ્વારા ડિજીટલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ મિશન મોડ પ્રોગામ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમ, વિધાનસભા ખાતે નેવા વર્કશોપનું ઉદઘાટન કરતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
જેવી રીતે ૨૦મી સદીમાં ક્રુડ અને પેટ્રોલિયમનો માલિક રાજા ગણાતો તે જ રીતે એકવીસમી સદીમાં જેની પાસે ડેટા કે માહિતીની માલિકી હશે તે જ રાજા ગણાશે. આજના ડીજીટલ યુગમાં માહિતી અખૂટ છે પરંતુ વિખરાયેલી છે ત્યારે નેવાની એપ્લીકેશન દ્વારા દેશના તમામ વિધાનમંડળોની સચોટ અને સ્પષ્ટ માહિતી માત્ર એક જ ક્લીક દ્વારા લોકોને ઉપલબ્ધ થશે તેમ ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે ગણેશ વાસુદેવ માવલંકર સંસદીય બ્યુરો અને આઇ.ટી.શાખાના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના સંસદીય કાર્ય મંત્રાલયના મિશન મોડ પ્રોજેક્ટ નેશનલ ઇ-વિધાન એપ્લીકેશન (નેવા) અંગેના ઓરીએન્ટેશન વર્કશોપમાં અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારના સંસદીય કાર્ય મંત્રાલયના સંયુક્ત સચિવ અને નેવાના મિશન લિડર ડૉ.સત્યપ્રકાશે જણાવ્યું હતું કે નેવા તમામ રાજ્યના વિધાનમંડળોની કાર્યપદ્ધતિ ઓટોમેટેડ અને પેપરલેસ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે ગુજરાત વિધાનસભાની નેવા ટીમ દ્વારા ગુજરાત નેવા વેબસાઇટની કામગીરીની પ્રશંસા કરી હતી.


















