અરબી સમુદ્રમાં ભારે પવનથી મધદરિયે ફસાયા માછીમારો, ૨૦૦ બોટ સંપર્ક વિહોણી

756

અરબી સમુદ્રમાં ૩ દિવસથી સમુદ્રમાં કરંટ ફેલાઇ રહ્યો છે. ઉપરાંત ભારે પવનના લીધે અરબી સમુદ્ર ગાંડોતૂર બન્યો છે જેને પગલે મુંબઈ તરફ માછીમારી કરવા ગયેલી ૭૦૦ બોટમાંથી ૨૦૦ બોટ સંપર્ક વિહોણી બની છે. જ્યારે વલસાડની ૩૦૦ બોટ કોડીનાર બંદરે લંગારવામાં આવી છે. અને ૧૦૦ જેટલી બોટ વલસાડ પરત ફરી છે. માછીમારી કરવા ગયેલા માછીમારો મધદરિયે જ મુશ્કેલીમાં મુકાયા છે.

માછીમારો અને તેમના પરિવારજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તે હવામાન વિભાગ આટલી મહત્વની વાત અમારા સુધી કેમ નથી પહોંચાડતુ. જો એમણે પહેલા અમને આ વાતની જાણ કરી હોત તો માછીમારી કરવા ગયા ન હોત. આ પહેલા પણ માછીમારો અને હવામાન વિભાગ વચ્ચે કોર્ડિનેશન ન રહેતા આવી મુશ્કેલીઓ તેમને પડી છે.

મહત્વનું છે કે ગત બે માસમાં ગાજા અને તિતલી બાદ હવે ફરીથી વધુ એક પેથાઇ વાવાઝોડુ દેશના પૂર્વીય તટ પર દસ્તક દેવાની તૈયારીમાં છે. પેથાઈ વાવાઝોડું દેશના દક્ષિણ-પૂર્વ તટવર્તી વિસ્તારોમાં આગામી ૩૬ કલાકમાં ટકરાય તેવી શક્યતા છે. જેના કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં હાઈએલર્ટ પર છે. હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં પેદા થયેલું ઓછા દબાણનું કેન્દ્ર આજે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વાવાઝોડું ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

નવેમ્બરમાં આવેલા ગાજા વાવાઝોડામાં ૪૫ લોકોના જીવ ગયા હતા અને ૧.૧૭ લાખ મકાનો તબાહ થયા હતા. તો ઓક્ટોબરમાં તિતલી વાવાઝોડાએ ઓડિશામાં ૫૭ લોકોના જીવ લીધા હતા.હવામાન વિભાગે કહ્યું છે કે આંધ્રપ્રદેશના તટવર્તી વિસ્તાર સાથે વાવાઝોડું ટકરાયા બાદ તેની તીવ્રતામાં ઘટાડો થશે. હાલ સમુદ્રમાંથી માછીમારોને કિનારે પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે.

Previous articleબૂલેટ ટ્રેનનું ટ્રેક કન્સાઈનમેન્ટ મુંબઈ પોર્ટથી વડોદરા લવાશે
Next articleદેશના પ્રથમ ગ્રીન ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું રાષ્ટ્રપતિ કોવિંદે કર્યું ભૂમિપૂજન