કાશ્મીર : કટ્ટરપંથીઓના બંધ વચ્ચે સ્ફોટક પરિસ્થિતિ રહી

592

પુલવામામાં હિઝબુલના કુખ્યાત ત્રાસવાદી જુહુર ઠોકર સહિત ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ અથડામણ સ્થળે જોરદાર રક્તપાતની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકો દ્વારા સેનાના ઓપરેશનના વિરોધમાં જોરદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના જવાબમાં કાર્યવાહી કરાતા આઠ નાગરિકોના મોત થયા હતા. અલગતાવાદીઓ દ્વારા આજે અથડામણ સામેના વિરોધમાં હડતાળની હાંકલ કરી હતી. સાવચેતીના પગલારુપે જમ્મુ કાશ્મીરના શ્રીનગર જિલ્લાના જુદા જુદા ભાગો અને પુલવામામાં સત્તાવાળાઓ દ્વારા કઠોર નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં કલમ ૧૪૪ સીઆરપીસી હેઠળ નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા હતા. શ્રીનગરમાં શ્રેણીબદ્ધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા હતા. કાયદો અન વ્યવસ્થાની સ્થિતિને મજબૂત કરવામાં આવી હતી. બીજી બાજુ જેઆરએલના બેનર હેઠળ અલગતાવાદીઓ દ્વારા નાગરિકોના મોત સામેના વિરોધમાં આજે બંધની હાકલ કરવામાં આવી હતી. હડતાળના કારણે જનજીવન ઉપર અસર થઇ હતી. જેઆરએલમાં સૈયદ અલી શાહ ગિલાની, મિરવાઇઝ ઉંમર ફારુક, મોહમ્મદ યાસીન મલિક પણ સામેલ છે. સોમવારના દિવસે બદાનીબાગ ખાતે આર્મી હેડક્વાર્ટર ખાતે કુચ કરવા માટે પણ આ કટ્ટરપંથીઓ તરફથી લોકોને કહેવામાં આવ્યું છે. આજે હડતાળના કારણે દુકાનો, પેટ્રોલ પંપ અને અન્ય કારોબાર બંધ રહ્યા હતા.

ખાનગી વાહનો પણ માર્ગો પર દેખાયા ન હતા. સાપ્તાહિક બજારો પણ બંધ રહ્યા હતા. ગઇકાલે શનિવારના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઝહુર ઠોકર સહિત ત્રણ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સ્થાનિક લોકોએ સુરક્ષા ટોળકી ઉપર પથ્થરમારો કર્યો હતો. સ્થાનિક લોકો સાથે સુરક્ષા દળોની સંઘર્ષની સ્થિતિ કલાકો સુધી રહી હતી. સ્થિતિ વણસી જતા સુરક્ષા દળોને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ગોળીબારમાં ૮ નાગરિકોના મોત થતા સ્થિતિ વધારે વિસ્ફોટક બની ગઈ હતી. કુખ્યાત આતંકવાદી જુહુર ઠોકરને ઠાર કરવામાં આવ્યા બાદ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું અને અથડામણ સ્થળ પર સ્થાનિક લોકો દ્વારા સુરક્ષા દળો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષા જવાનોએ ગોળીબાર કરતા આઠ નાગરિકોના મોત થઇ ગયા હતા. પુલવામામાં ઈન્ટરનેટ સેવાઓને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી હતી. સાથે સાથે જમ્મુ વિસ્તારમાં બનિહાલ ટાઉનથી કાશ્મીર ખીણ સુધી રેલ સેવાઓને બંધ કરવામાં આવી હતી.  આજે કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં ઉત્તર કાશ્મીરના બારમુલા જિલ્લામાં ઠોકર ફરાર થઈ ગયો હતો. તે સર્વિસ રાઈફલ લઈને ફરાર થયો હતો. ત્યારબાદ તે આતંકવાદી સંગઠનમાં જોડાયો હતો. અનેક હત્યાઓમાં તેની ભૂમિકા હતી. એકંદરે ૧૦ લોકોના મોત થઈ ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. નાગરિકોના જાન બચાવવામાં નિષ્ફળતા બદલ અબ્દુલ્લાએ રાજ્યપાલ સત્યપાલ મલિકની ટીકા કરી હતી.

Previous articleદિલ્હી ગેંગરેપની વરસીએ ઘટનાની યાદ ફરીથી તાજી
Next articleદિલીપ કુમારને મળી ધમકી, પત્ની સાયરા બાનોએ પીએમ મોદી પાસે માગી મદદ