રેલવે ટેન્ડર કાંડમાં લાલૂને વચગાળાના જામીન મળ્યા

510

આઈઆરસીટીસી કૌભાંડમાં દાખલ કરવામાં આવેલા બે કેસોમાં આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવને મોટી રાહત મળી ગઈ છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સીબીઆઈ અને ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસોમાં લાલૂ યાદવને ૧૯મી જાન્યુઆરી  સુધી વચગાળાના જામીન આપી દીધા છે. અલબત્ત જામીન મળી ગયા હોવા છતાં લાલૂ યાદવ જેલમાંથી બહાર રહી શકશે નહીં. તેમને જેલમાં જ રહેવું પડશે. કારણ કે ઘાસચારા કૌભાંડ મામલામાં તેઓ સજા ગાળી રહ્યા છે. ખાસ ન્યાયાધીશ અરુણ ભારદ્વાજ દ્વારા રાંચી જેલથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આ ચુકાદો આપ્યો હતો. લાલૂ યાદવ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને વચગાળાની રાહત અપાઈ હતી. આરોગ્યના કારણોસર લાલૂ યાદવ કોર્ટમાં ઉપસ્થિત રહેવામાં સમક્ષ ન હતા જેથી તેઓ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લી સુનાવણીમાં જજ ભારદ્વાજે કહ્યું હતું કે, ઘરાબ હાલતના પરિણામ સ્વરુપે લાલૂ પહેલાના નિર્દેશ મુજબ કોર્ટમાં ઉપસ્થિત થઇ શકે તેવી સ્થિતિ નથી. કોર્ટે સીબીઆઈ અને ઇડીને આદેશ આપ્યો હતો કે, બંને મામલામાં લાલૂની જામીન અરજી ઉપર જવાબ આપે. આ મામલો આઈસીઆરસીટીસીના બે હોટલોની દેખરેખ માટે કોન્ટ્રાક્ટ આપવા સાથે સંબંધિત છે.

આમા વ્યાપક પ્રમાણમાં અનિયમિતતાઓ થઇ હતી. છઠ્ઠી ઓક્ટોબરના દિવસે થયેલી સુનાવણીમાં કોર્ટે રાબડી અને તેજસ્વીને જામીન આપ્યા હતા. છઠ્ઠી ઓક્ટોબરના દિવસે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા ઈન્ડિયન રેલવે કેટેરીંગ એન્ડ ટ્યુરીઝમ કોર્પોરેશન કૌભાંડ કેસમાં આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવના પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ તથા અન્યોને જામીન મળી ગયા હતા. આની સાથે જ લાલુના પરિવારના સભ્યોને રાહત થઈ હતી.