નલિયા-ગાંધીનગરમાં પારો ૧૦થી નીચે

563

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આગામી બે દિવસ માટે કોલ્ડવેવની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ખાસ કરીને ભાવનગર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ ભાગોમાં પારો ૧૦થી પણ નીચે પહોંચ્યો છે જેમાં નલિયામાં ૯.૩ અને ગાંધીનગરમાં ૯.૬ સુધી પારો પહોંચ્યો હતો. આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન સોમવારની સરખામણીમાં ઘટીને ૧૦.૪ ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે ડીસામાં પારો ગઈકાલની સરખામણીમાં આજે વધ્યો હતો અને લઘુત્તમ તાપમાન ૧૧.૪ રહ્યું હતું. ગાંધીનગરમાં પારો ગગડીને ૯.૬ થયો હતો. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં મિશ્ર સિઝન હોવાના લીધે નાના બાળકો અને મોટી વયના લોકોને સાવધાન રહેવાનો પણ ગાળો છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.

અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાસ્થિતિમાં રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૯ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ  નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.  હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે.

Previous articleઅંગારકી સંકષ્ટ ચતુર્થીને લઇ ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું
Next articleઉતરાયણમાં ચાઇનીઝ તુક્કલ અને દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકાયો