કિંજલ દવેને કોર્ટનું ફરમાન : ૨૨મી જાન્યુ. સુધી ‘ચાર ચાર બંગડી..’ નહિ ગઈ શકે

698

કિંજલ દવેનું ફેમસ ગીત ચાર ચાર બંગડીવાળી ગીત પર કમર્શિયલ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. આ ગીતના મૂળ લેખક અને ઓસ્ટ્રેલિયન કાઠીયાવાડી કિંગ તરીકે જાણાતા કાર્તિક પટેલે આ ગીત પોતાનું હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો. જેના બાદ કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમોમાં ગાવા પર પ્રતિબંધ મૂકાયો છે અને યુટ્યુબ પરથી હટાવી લેવા કહેવામાં આવ્યું છે. ૨૨મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને વચગાળાનો આદેશ કર્યો છે.

કોર્ટે કિંજલ દવે દ્વારા ગાવામાં આવેલું આ ગીત ઇન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ન આવે તેવા પણ આદેશ આપ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવક કાર્તિક પટેલે કોપીરાઈટનો દાવો કર્યો છે અને જણાવ્યું છે કે, આ ગીત પોતે જ લખ્યું અને ગાયું છે, કિંજલ દવેએ તો તેની કોપી મારી છે એટલે કે, નકલ કરી છે. કોર્ટના આ આદેશ બાદ કાર્તિક પટેલ સામે આવ્યો હતો. તેણે વીડિયો દ્વારા કોર્ટના આ આદેશ અંગે આનંદ અનુભવ્યો હતો.  કાર્તિક પટેલે કહ્યું કે, કોર્ટનો નિર્ણય જાણીને મને ખુબ જ આનંદ થયો. નિર્ણય સુધી પહોંચતા પહોંચતા ઘણો સમય લાગી ગયો.

તમે સામાન્ય રીતે બીજી કોઈ વસ્તુની ચોરી નથી કરતા, જેમ કે વાહન કે અન્ય કોઈ વસ્તુ. તો કોઈનું સંગીત શુ કામ ચોરી કરવું. તે બાબત યોગ્ય નથી. વ્યક્તિની જે ક્રેડિટ હોય છે એ આપ્યા વગર તમે તેની ચોરી કરો છો.

કિંજલ દવે આ વિવાદ પર નિવેદન આપતા કહ્યું કે વિવાદનો સવાલ જ નથી કારણ કે આ જાહેર અત્યારે થયો છે. પરંતુ કાર્તિક પટેલે અમારૂં ગીત યૂટ્યુબ પર ચઢ્યું ત્યારથી જ કોપીરાઇટનો કેસ કર્યો હતો. પરંતુ અઢી વર્ષથી આ ગીત યૂટ્યુબ પર છે. જો આમાં કોપીરાઇટ લાગ્યું હોત તો આ ગીત યૂટ્યુબ પરથી ક્યારનું ઉતરી ગયું હોત અને આટલો વિવાદ તો થયો જ ન હોત. પરંતુ યુટ્યુબને આમાં કોઇ ઇશ્યુ ન લાગ્યો. એટલે જ અત્યાર સુધી આ ગીત યૂટ્યુબ ઉપર ચાલે છે અને કરોડો લોકોએ તેને જોયું પણ છે. હવે આવી નોટિસ આવી છે જેનો અભ્યાસ કરીશ અને વકીલની સલાહ પ્રામાણે આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.

કિંજલે કહ્યું, મને ૨૨મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. તો હું કોઇ જાહેર કાર્યક્રમમાં આ ગીત નહીં ગાઉ. આ ગીત તમામ ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવવા આદેશ મળ્યો છે પરંતુ આ ગીત મારા કોઇ અંગત એકાઉન્ટમાંથી ચઢ્યું નથી. જે કંપનીએ ચઢાવ્યું છે તેમને નોટિસ મળશે તેમ તે કરશે.

કિંજલે કહ્યું, હું આ ગીતની માલિક નથી કે મેં લખ્યું નથી. મેં આ ગીતને માત્ર અવાજ જ આપ્યો છે. આમાં જે પણ કોર્ટનો ચુકાદો હશે તે પ્રમાણે આગામી સમયમાં વર્તવામાં આવશે. આ ગીત પર અઢી વર્ષથી કાર્તિક પટેલની અને મારી કંપની કોપીરાઇટનાં મામલે લડી રહ્યાં છે અને મને શુક્રવારે જ એક નોટિસ આપવામાં આવી છે. જેનો અભ્યાસ મારે બાકી છે. કોઇ વકીલની સલાહ પ્રમાણે આમાં હવે કાર્યવાહી કરવામાં આવશે.

Previous article૨૦૧૯માં સરકારને માઠા પરિણામોની તૈયારી રાખવી પડશે : લાલજી પટેલ
Next articleકુંભમેળા માટે એર ઈન્ડિયા દ્વારા ૧૩ જાન્યુ.થી ૩૦ માર્ચ સુધી વિમાની સેવા શરૂ