મણિશંકરનું નિવેદન ગુજરાતનું પણ અપમાન : મોદીની ગર્જના

738
guj8122017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઝંઝાવતી પ્રચારનો દોર મોદીએ આજે પણ જારી રાખ્યો હતો. નરેન્દ્ર મોદીએ આજે સુરતમાં ઝંઝાવતી રેલી કરી હતી અને કોંગ્રેસ પાર્ટી ઉપર તેજાબી પ્રહારો કર્યા હતા. મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના વાંધાજનક નિવેદનને લઇને જોરદાર નિવેદન કર્યું હતું. અય્યરના નિવેદનને ગુજરાતનું અપમાન તરીકે ગણાવીને ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, મણિશંકર અય્યરનું આ નિવેદન મોગલ માનસિકતાને દર્શાવે છે અને આના ઉપર કોઇ પ્રતિક્રિયા આપીશું નહીં. મણિશંકર અય્યરે પોતાના એક નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ જેવા શબ્દોનો ઉપયોગ કરીને તેમની ટિકા કરી હતી. વડાપ્રધાને અય્યરના નિવેદન બદલ ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, કોંગ્રેસી નેતા એવી ભાષાના પ્રયોગ કરી રહ્યા છે જે લોકશાહીમાં સ્વિકાર્ય નથી. સારી સંસ્થાઓમાં ભણેલા એક કોંગ્રેસી નેતા જે કેબિનેટમાં પ્રધાન રહી ચુક્યા છે તે મોદીને નીચ તરીકે ગણાવી રહ્યા છે. આ અપમાનજનક અને ખેદપૂર્વક છે. આ મોગલ માનસિકતાને દર્શાવે છે. મોદીએ કહ્યું હતું કે, તેઓ ભલે નીચી જાતિના છે પરંતુ ઉંચા કામ કરી રહ્યા છે. ઉંચા નીચા માટેના સંસ્કારો તેમનામાં નથી. મણિશંકર અય્યરની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, તેઓ આનો જવાબ આપશે નહીં. ભાજપના કોઇ કાર્યકરો પણ કોઇ ફોરમ ઉપર જવાબ આપશે નહીં. 
મોદીએ ઉમેર્યું હતું કે, આનો જવાબ જનતા આપશે. આ જવાબ તેમને બેલેટ પેપરથી મળશે. પહેલા પણ તેઓ આ પ્રકારના નિવેદન કરીને અપમાન કરતા રહ્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મોતના સોદાગર જેવા શબ્દો કહ્યા હતા અને જેલ મોકલવા ઇચ્છુક હતા. મોદીએ પોતાના સંબોધનમાં જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. વિકાસની વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વિજળ અને વિકાસ મુખ્ય મુદ્દા છે. ગુજરાતમાં સતત વિજળી પુરવઠાના વચનો પૂર્ણ કરવામાં આવ્યા છે. સુરતની ઉર્જા તમામ જરૂરિયાતોને પૂર્ણ કરી રહી છે. નોટબંધીના મુદ્દા ઉપર પણ મોદીએ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતુ ંકે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની કમર તુટી ગઈ છે. નોટબંધીના કારણે મોટી સંખ્યામાં બોગસ કંપનીઓ સપાટી ઉપર આવી છે. કાળા નાણાં ઉપર બ્રેક મુકાયો છે. ભ્રષ્ટાચારને દૂર કરવામાં સફળતા મળી છે. કોંગ્રેસના લોકો આ પ્રકારના કઠોર વલણ અને કાર્યવાહીથી મુશ્કેલીમાં છે જેથી બિનજરૂરી હલ્લો મચાવી રહ્યા છે.

Previous articleનોટબંધી સંબંધિત દસ્તાવેજો સંસદ સમક્ષ રજુ કરો : ડૉ.મનમોહનસિંહ
Next articleવોટિંગના એક દિવસ પહેલા દિનેશ બંભાનિયાનુ રાજીનામુ