ગુજરાતમાં કોંગ્રેસની કારમી હાર થશે જ : જેટલીનો દાવો

818
gandhi10122017-1.jpg

કેન્દ્રીય નાણાંમંત્રી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રભારી અરૂણ જેટલીએ આજે અમદાવાદમાં મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાન બાદ જે પ્રમાણે મતદાન થયુ છે તે જોતાં સમગ્ર વાતાવરણ ભાજપના પક્ષમાં હોય તેવું સામે આવ્યું છે, તા.૧૮મી ડિસેમ્બરે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડશે. જેટલીએ આ વખતે લેન્ડ સ્લાઇડ બહુમતીથી ગુજરાતમાં ભાજપની જીતનો દાવો કર્યો હતો. કેન્દ્રીય નાણાંમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય નેતા અરૂણ જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ભાજપ દરેક ક્ષેત્રોમાં સંપર્કો જાળવી જાણકારી મેળવી રહ્યું છે. અત્યારસુધીના જે આંકડા આવી રહ્યા છે તે જોતાં મતદાન સારી રીતે ચાલી રહ્યું છે. અલબત્ત, વીવીપેટના ઉપયોગના કારણે મતદાનમાં વધુ સમય લાગી રહ્યો છે. પાંચ વાગ્યા સુધીમાં મતદારો લાઇનમાં ઉભેલા છે તેઓને મતાધિકાર પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવા ચૂંટણી પંચને અનુરોધ છે. જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારસુધીના મતદાનના ટ્રેન્ડમાં ભાજપના વિકાસના અભિયાનને સર્વસ્વીકૃતિ મળી છે. આખેઆખુ વાતાવરણ ભાજપના પક્ષમાં હોય એવું લાગી રહ્યું છે. તા.૧૮મી ડિસેમ્બરે જયારે પરિણામો આવશે ત્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડશે. ગુજરાત જે ઝડપથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તે પ્રકારે દેશનું અન્ય કોઇ રાજય આવી વિકાસની હરણફાળ ભરી શક્યુ નથી. આ વખતે લેન્ડ સ્લાઇડ બહુમતીથી ભાજપ ગુજરાતમાં જીતશે એમ જેટલીએ સ્પષ્ટ કર્યું હતું.