આજે વચગાળાનું બજેટ

589

દેશના તમામ વર્ગના લોકોની જોરદાર અપેક્ષા વચ્ચે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર તેની વર્તમાન અવધિમાં અંતિમ બજેટ રજૂ કરનાર છે. લોકસભાની ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવનાર આ વચગાળાના બજેટમાં નાણાં પ્રધાન પિયુષ ગોયલ તમામ વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી શકે છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે અનેક ટેક્સ રાહતો જાહેર કરવામાં આવી શકે છે. સાથે સાથે ખેડુતોની નારાજગીને દુર કરવા માટે પણ વિવિધ પગલા જાહેર કરવામાં આવી શકે છે.  ઇ-વોલિટને ટેક્સ છુટછાટની હદમાં લાવવા માટેની માંગ કરવામાં આવ્યા બાદ આના પર પર તમામ લોકોની નજર રહેલી છે. પિયુષ ગોયલ કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનુ વચગાળાનુ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. અનેક પ્રકારની લોકોની અપેક્ષા અને અનેક પ્રકારના જટિલ પડકારો વચ્ચે નાણાંપ્રધાન પિયુષ ગોયલ બજેટ રજૂ કરશે.

બજેટમાં દેશના તમામ  વર્ગને રાજી રાખવાની બાબત તેમના માટે સરળ રહેશે નહી.ગોયલ મુળભૂત મુક્તિ મર્યાદાને વધારીને વધારી શકે છે. મોટા ભાગના લોકો ઇચ્છે છે કે ટેક્સ છુટછાટની મર્યાદાને ૨.૫ લાખ રૂપિયાથી વધારી દેવામાં આવે. બજેટમાં કૃષિ ક્ષેત્રમાં રોકાણ અને મોટા માળખાકીય પ્રોજેક્ટ પર ખર્ચ વધારી દેવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. રોજગાર પર ખાસ ધ્યાન રહેશે. નાણાંપ્રધાન આવકવેરા સલેબમાં કેટલાક ફેરફાર કરી શકે છે.   આ વખતે નોટબંધી અને જીએસટીના કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે. સાથે સાથે મોટા ભાગના ક્ષેત્રોમાં પણ મંદી આવી છે. આવી સ્થિતીમાં આરોગ્ય, કૃષિ, શિક્ષણ, ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય તમામ જરૂરી સેક્ટરોની માગને પૂર્ણ કરવા માટે નાણાં પ્રધાન સંતુલિત પ્રયાસ કરે તેમ માનવામાં આવે છે. સામાન્ય લોકો નોટબંધી અને જીએસટીના કારણે ખુબ મુશ્કેલીમાંથી પસાર થઇ ચુક્યા છે. જેથી તેમના માટે પણ કેટલીક આકર્ષક રાહત જાહેર કરવામાં આવી શકે છે. પગારદાર વર્ગ દ્વારા પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. વચગાળાના બજેટમાં બચતને પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. બજેટમાં સામાન્ય લોકો ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે. નોટબંધી બાદ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મંદી પ્રવર્તી રહી છે જેથી આ સેક્ટરમાં તેજી લાવવાનો પણ પડકાર રહેલો છે. આ ઉપરાંત હાઉસ પ્રોપર્ટી માટેની આવકને લઇને પણ કેટલીક જાહેરાતો થઇ શકે છે. બજેટમાં અન્ય કેટલીક જોગવાઈઓને લઇને તમામ લોકો પોતપોતાની રજૂઆતો કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૪માં મે મહિનામાં સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર તેનુછઠ્ઠુ  અને અંતિમ બજેટ રજૂ કરનાર છે. જેમાં મધ્યમ વર્ગ, ખેડુત વર્ગ, અને યુવા વર્ગને ખુશ કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે.  બજેટમાં વ્યક્તિગતો અને કંપનીઓને ટેક્સમાં કેટલીક રાહત મળી શકે છે. ટેક્સના સ્લેબ અથવા તો મુક્તિ મર્યાદાના પાસામાં ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે.

તેમાં ફેરફાર કરીને વ્યક્તિગતો અને કંપનીઓને કેટલીક રાહત સરકાર આપી શકે છે. દેશમાં વધુ રોકાણ કરવા માટે કંપનીઓને પ્રોત્સાહન આપવા નવી પહેલ થઇ શકે છે. ટેક્સ નિષ્ણાંતો માને છે કે મોદી સરકાર આ દિશામાં પહેલ કરી શકે  છે. બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં વધારો પણ કરી શકે છે. આશરે ૧૦ ટકા વધારો સંરક્ષણ ફાળવણીમાં કરવામાં આવી શકે છે. મોદી સરકાર  બજેટમાં આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે.  નરેન્દ્ર મોદી સરકાર રાજ્યોને વધારે સત્તા આપવા ઇચ્છુક દેખાઇ રહી છે. ભારતના વિકાસમાં રાજ્યોની ભૂમિકા વધારે મજબુત બને તેવી ઇચ્છા મોદી સરકાર ધરાવે છે.  બજેટમાં આનો સંકેત આપવામાં આવી શકે. જુદા જુદા મંત્રાલયોના બજેટમાં પણ જંગી ઘટાડો કરવામાં આવી શકે છે. યોજના અને બિન યોજનાખર્ચ વચ્ચેના અંતરને લઇને નવી નિતી જાહેર કરવામાં આવી શકે છે. સામાજિક સેક્ટરને યોજના ફાળવણીમાં કાપ મુકાશે નહી પરંતુ રાજ્યોને આમાં ભૂમિકા અદા કરવા માટે કહેવામાં આવશે. .વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ મોદી સરકાર બજેટ રજૂ કરતી વેળા આ વખતે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર ખાસ નજર રાખશે. સ્ટીલ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની માંગ થઇ રહી હતી.  શિસ્તમાં રહેતા કરદાતાઓને રાહત આપવાના હેતુસર એચએનઆઈ પર વધારાના ટેક્સ લાગૂ કરવામાં આવી શકે છે.કૃષિને વિશેષ મહત્વ અપાઈ શકે છે.ઇન્કમ ટેક્સ રેટને લઇને સામાન્ય લોકોમાં હમેંશા ચર્ચા રહે છે. નવી પરંપરા શરૂ થઇ ચુકી છે.  જેના ભાગરૂપે આ વખતે પણ  ફેબ્રુઆરીના અંતિમ દિવસના બદલે ફેબ્રુઆરીના પ્રથમ દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે. બજેટમાં ગ્રામીણ ક્ષેત્ર અને રોજગાર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. આ બન્ને પાસા પર મોદી સરકાર હાલના વર્ષોમાં ફ્લોપ રહી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ખેડુતો આંદોલન પણ કરતા રહ્યા છે.  ખેડુત સમુદાયના લોકો કહી રહ્યા છે કે ખાદ્યાન, ડીઝલ, વીજળી અને જંતુનાશક દવા મોંઘી થવાના પરિણામસ્વરૂપે તેની હાલત કફોડી બનેલી છે. એકબાજુ તમામ ચીજોની કિંમતો વધી રહી છે તો બીજી બાજુ તેમની કોઇ પણ પેદાશ માટે પુરતા ભાવ મળી રહ્યા નથી. આવી જ રીતે સરકાર પર આરોપો પણ થઇ રહ્યા છે કે તે રોજગારની તક સર્જવામાં સફળ સાબિત થઇ રહી નથી. બજેટ આવતીકાલે સવારે ૧૧ વાગે લોકસભામાં રજૂ કરાશે. દેશના તમામ લોકો પર બજેટને લઇને ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે.

Previous articleઆજે રેલવે બજેટ
Next articleસંબોધન સાથે બજેટ સત્રનો પ્રારંભ