ગુજરાતમાં ભાજપ સત્તા જાળવી રાખશે : એગ્ઝિટ પોલ

880
guj15122017-9.jpg

ગુજરાતમાં ચૂંટણીની પ્રક્રિયા બીજા તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી એગ્ઝિટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા. એગ્ઝિટ પોલના મોટાભાગના તારણોમાં હિમાચલ પ્રદેશમાં ભાજપે સપાટો બોલાવીને કોંગ્રેસ પાસેથી સત્તા કબજે કરવાના સંકેત આપવામાં આવ્યા છે જ્યારે બીજી બાજુ હાઈવોલ્ટેજ અને હાઈપ્રોફાઇલ ગુજરાતમાં ભાજપ સત્તા જાળવી રાખે તેવા સંકેત આપવામાં આવ્યા છે. એગ્ઝિટ પોલના તારણ મતદાન બાદ જારી કરવાની શરૂઆત થઇ હતી. એકબાજુ ગુજરાતના મોટાભાગના એગ્ઝિટ પોલ ભાજપને જીત અપાવી રહ્યા છે. જ્યારે હિમાચલમાં પણ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લેવાની દિશામાં ભાજપ આગળ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ભાજપ માટે બે મોરચા પર મોટી સફળતાના સંકેત મળી રહ્યા છે. ઓનલાઈન-સી વોટરના એગ્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, હિમાચલ પ્રદેશમાં ભાજપ શાનદાર જીત મેળવશે. ઓનલાઈન સી-વોટરના એગ્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપ હિમાચલ અને ગુજરાતમાં શાનદાર જીત મેળવશે. હિમાચલ પ્રદેશના ઇન્ડિયા ટુડે-એક્સિસના એગ્ઝિટ પોલમાં ભાજપને ૪૭-૫૫ સીટો આપવામાં આવી રહી છે જ્યારે કોંગ્રેસને ૧૩-૨૦ સીટો આપવામાં આવી રહી છે. અન્યોને બે સીટો આપવામાં આવી રહ છે. આવી જ રીતે ઓનલાઈન સી-વોટરના એગ્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપને ૧૦૮ અને કોંગ્રેસને ૭૪ સીટ આપવામાં આવી રહી છે. સી-વોટરના એક્ગ્ઝિટ પોલસ મુજબ હિમાચલમાં ભાજપને ૪૭.૬ ટકા મત મળી રહ્યા છે જ્યારે કોંગ્રેસને ૪૪ ટકા અને અન્યોને ૮.૩ ટકા મત મળી રહ્યા છે. બીજી બાજુ ટાઈમ્સનાઉ-વીએમઆરના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ભાજપ ૧૦૬-૧૧૬ સીટો જીતી જશે. જો કે, ૧૫૦ના તેના ટાર્ગેટ સુધી તે પહોંચી શકશે નહીં. કોંગ્રેસ ૬૩થી ૭૩ સીટો મેળવી શકશે. ન્યુઝ-૨૪-ચાણક્યના એગ્ઝિટ પોલમાં ભાજપને હિમાચલમાં ૫૫ સીટો અને કોંગ્રેસને ૧૩ સીટો આપવામાં આવી રહી છે. ઇન્ડિયા ટીવીમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ૪૯-૬૧ સીટો જીતશે જ્યારે કોંગ્રેસ ૨૯-૩૭ સીટ જીતશે. આવી જ 
રીતે ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયાના એગ્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપ ૯૯-૧૧૩ અને કોંગ્રેસ ૬૮-૮૨ તેમજ અન્યો ૧-૪ સીટ જીતશે. રિપબ્લિક ટીવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં મોદી પાવર અકબંધ રહેશે. ભાજપ ૧૦૮ સીટો જીતી જશે. ટાઇમ્સનાઉના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપ ગુજરાતમાં ૧૧૫ સીટો જીતશે જ્યારે કોંગ્રેસને ૬૫ સીટ મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં ઇન્ડિયા ટુડે ભાજપને શાનદાર જીત આપે છે. એબીપી ન્યુઝ-સીએસડીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભાજપ હિમાચલમાં જોરદાર સપાટો બોલાવશે અને ૪૭-૫૫ સીટ જીતી જશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન થયું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે આજે એકંદરે શાંતિપૂર્ણરીતે આશરે ૬૮.૭૦ ટકા મતદાન થયું હતું. મતદાન શાંતિપૂર્ણરીતે પૂર્ણ થવાની સાથે જ તમામ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ગુજરાતમાં પરિવર્તન થશે કે પછી પુનરાવર્તન થશે તે અંગેનો ફેંસલો હવે ૧૮મી ડિસેમ્બરે થશે. ૧૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. તમામ જગ્યાઓએ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લીધો હતો. જો કે, મતદાનની ટકાવારી અપેક્ષા મુજબની નોંધા ન હતી. કેટલીક જગ્યાઓએ ઇવીએમમાં તકલીફ થઇ હતી. જો કે, એકંદરે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું.
મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ ચૂંટણી પંચે પણ રાહતનો દમ લીધો હતો. અગાઉ મતદાનની આજે સવારે વિધીવતરીતે શરૂઆત થઇ હતી. શરૂઆતમાં તમામ જગ્યાએ ધીમી ગતિથ મતદાન થયુ હતુ. જો કે કેટલાક મતદાન મથકો પર સવારથી જ લાંબી લાઇનો લાગી હતી. બપોરે મતદાનમાં જોરદાર તેજી આવી હતી. પ્રથમ તબક્કામાં અપેક્ષા કરતા ઓછુ મતદાન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તમામ દિગ્ગજોએ ઉંચા મતદાન માટે અપીલ કરી હતી. અત્રે નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે શનિવારના દિવસે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પ્રથમ તબક્કાના મતદાનના સંદર્ભમાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવારરીતે પાકા આંકડા ટકાવારી અંગેના જારી કરવામાં આવ્યા હતા જે મુજબ ગુજરાતમાં સૌથી નર્મદામાં સૌથી વધુ ૭૯.૧૫ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. ગુજરાતના જે જિલ્લાઓમાં ૭૦ ટકાથી વધુ મતદાન થયું છે તેમાં મોરબી ૭૩.૧૯, ભરુચમાં ૭૩.૦૧, તાપમાં ૭૮.૫૬, ડાંગમાં ૭૨.૬૪, નવસારીમાં ૭૩.૧૯, વલાસડમાં ૭૨.૬૯ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે. પ્રથમ તબક્કામાં ૬૬.૭૫ટકા મતદાન થયું હતું.

એકઝીટ પોલ તારણોને કોંગ્રેસે ફગાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વિવિધ રાષ્ટ્રીય ચેનલોના એક્ઝીટ પોલમાં ભાજપને વિજયી બતાવતા અને ગુજરાતમાં ફરી એકવાર સરકાર રચવાનું જાહેર કરતાં તારણોને મોડી સાંજે કોંગ્રેસે ફગાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુનભાઇ મોઢવાડિયા, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના 
નેતાઓએ એક્ઝીટ પોલના તારણોને ફગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે, ગુજરાતમાં આ વખતે લોકોએ કોંગ્રેસની તરફેણમાં મોટાપાયે મતદાન કર્યું છે અને તેથી કોંગ્રેસની સરકાર સત્તામાં આવે છે. કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે.
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિકાસને પાછળ છોડી દીધો હતો અને પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ત્રાસવાદ સહિતના બીજા મુદ્દાઓને ચગાવીને મતો મેળવવાનું રાજકારણ કર્યું હતું. છેલ્લે વડાપ્રધાન સી-પ્લેનમાં ફરવાની વાત લાવ્યા પરંતુ ગુજરાતના પ્રાણપ્રશ્નોની કોઇ વાત કરી શકયા નહી. નોટબંધી, જીએસટી સહિતના અત્યાચારી નિર્ણયોને લઇ ગુજરાતની જનતાએ આ વખતની ચૂંટણીમાં ભાજપનો હિસાબ કરી નાંખ્યો છે અને પોતાનો બદલો લઇ લીધો છે. ભાજપનો આ વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય થવાનો છે તે નક્કી છે. મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપની નીતિ હંમેશા દમનકારી રહી છે. છેલ્લા ૨૨ વર્ષોમાં ગુજરાતની જનતાનું દમન કરનાર ભાજપે તાજેતરમાં ચૂંટણી આચારસંહિતાના ભંગના ઓઠા હેઠળ ગુજરાતના મીડિયાને દબાવવાનો અને દમન કરવાનો હીન પ્રયાસ કર્યો છે. ભાજપ ગુજરાતની જનતાની વાત કરવાને બદલે મૂળ મુદ્દાઓથી ભટકીને વાત કરતી હતી અને તેથી પ્રજાએ આ વખતે ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે. તા.૧૮મી ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો પરથી જનમત સ્પષ્ટ થઇ જશે. 

Previous articleએગ્ઝિટ પોલ શું કહે છે…..
Next articleગુજરાત ઈલેકશન : બીજા તબક્કામાં ૬૮.૭૦% મતદાન