દિલ્હીમાં વર્ષા, જમ્મુમાં બરફવર્ષા

631

દિલ્હી અને એનસીઆર સહિત દેશના અનેક ભાગોમાં ફરી જોરદાર વરસાદના કારણે કાતિલ ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. લોકોની હાલત કફોડી બની ગઇ છે. ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી વચ્ચે મેદાની ભાગોમાં રહેતા લોકો છેલ્લા કેટલાક વર્ષની સૌથી વધારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હી અને એનસીઆર સહિત વિવિધ ભાગોમાં આજે સવારે જોરદાર વરસાદ થતા ચારેબાજુ અંધારપટ્ટની સ્થિતી છવાઇ ગઇ હતી. બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઈ ગઈ છે. હજુ ભારે હિમવર્ષા જારી રહેવાની પણ વાત કરવામાં આવી છે. જમ્મુ અને ખીણ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ પડ્યો છે. ભારે હિમવર્ષાના કારણે જમ્મુ-શ્રીનગર રાજમાર્ગને બંધ કરવાની ફરજ પડી છે. લેહ ખાતે માઇનસ ૪.૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. કારગિલમાં માઇનસ ૧૬ અને દ્રાસમાં માઇનસ ૬.૩ ડિગ્રી તાપમાન રહ્યું છે. જમ્મુ શહેરમાં ૧૧.૬ તાપમાન રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં અતિભારે હિમવર્ષાની આગાહી પણ કરાઈ છે જેના કારણે ઠંડીમાં વધારો થશે. કેટલાક વિસ્તારોમાં તો વરસાદ વચ્ચે અંધારપટ્ટની સ્થિતી સર્જાઇ ગઇ હતી. બીજી બાજુ જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આઇએમડી દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાન કરવા માટે ચેતવણી જારી કરવામાં આવી છે. સિવિક સંસ્થાઓ અને લોકો માટે રેડ કેટેગરીની નોટીસ જારી કરવામાં આવી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં હિમવર્ષા અસામાન્ય નથી. વારંવાર હિમવર્ષા થતી રહે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પ્રકારની સ્થિતી વારંવાર સર્જાઇ જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બર્નસના કારણે દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પવનની ગતિ ધીમી થઇ ગઇ છે. જેના કારણે પ્રદુષણના પ્રમાણમાં ઉલ્લેખનીય વધારે થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર ભારતના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવાને માઠી અસર થઇ છે. જેના કારણે લોકો જુદી જુદી જગ્યાએ અટવાઇ પડ્યા  છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતી  ફરી એકવાર જોવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન,  ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને ઉત્તર ચંદીગઢમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી જોવા મળી રહી છે. ધુમ્મસના કારણે દિલ્હી આવતી અનેક ટ્રેનો મોડેથી દોડી રહી છે.  દિલ્હી-એનસીઆરમાં  વરસાદ બાદ ધુમ્મસ અને ઠંડીના કારણે લોકોની હાલત આજે ફરી એકવાર કફોડી બની ગઇ છે. ધુમ્મસના કારણે દિલ્હીથી દોડનાર  અનેક ટ્રેનો લેટ ચાલી રહી છે. જ્યારે કેટલીક  ટ્રેનના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. માર્ગો પર ધુમ્મસના કારણે સવારે મોટી સંખ્યામાં લોકોને આવરજવરમાં તકલીફ પડી હતી. વિજિબિલિટી ઘટી જવાના કારણે દિલ્હી વિમાનીમથકે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઠંડીથી લોકોને રાહત નહી મળે તેવી શક્યતા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જોવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે.

Previous articleરોજગાર ભરતી મેળો
Next articleઉત્તરપ્રદેશમાં ભાજપને ૭૪થી વધુ સીટો મળશે : અમિત શાહ