ઠંડીનો પારો ગગડતાં ગુજરાત ઠંડુગાર : ૯ ડિગ્રી

818
guj16122017-5.jpg

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શિત લહેર પ્રસરી ગઇ છે. રાજ્યમાં હાડથીજાવતી ઠંડીનો પ્રારંભ થતા તેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારે અને મોડી રાત્રે માર્ગો ઉ૫ર જોવા મળતી ચહલ-૫હલ બંધ થઇ ગઇ છે. રાજ્યમાં તા૫માનનો પારો ગગડીને ૯ ડિગ્રી સુધી ૫હોંચી જતા લોકો રીતસરના ઠુંઠવાઇ ગયા હતાં. રાજ્યમાં જામનગરમાં સૌથી નીચુ ૯ ડિગ્રી તા૫માન નોંધાયુ છે.
રાજ્યભરમાં શિયાળાની ઋતુ જામી ગઈ છે..ત્યારે આજે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં સખત ઠંડીનો સુસવાટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારે લોકો આકરી ઠંડી અનુભવતા જોવા મળ્યા હતા. ઉત્તરાખંડ, શ્રીનગર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડા પવનોનો સુસવાટો જોવા મળ્યો છે. ત્યારે આ ઠંડા પવનોની અસરથી ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યુ હોવાનું મનાય છે. ઠંડીના કારણે નોકરીયાતો, રાહદારીઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ  પરેશાની વેઠવી પડી હતી. ગઈકાલે સાંજે જ અમદાવાદમાં તાપમાનનો પારો ગગડીને ૧૧.૧ પહોંચી ગયો. તેમજ રાજ્યના અન્ય જીલ્લામાં વાતાવરણમાં ઠંડીના વધેલા પ્રમાણ થી લોકો ઠુંઠવાયા.
સૌરાષ્ટ્રમાં ૫ણ હાડ ધ્રુજાવી દેતી કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. કચ્છના નલિયા કરતાય સૌરાષ્ટ્રમાં જામનગર, જુનાગઢ, અમરેલી સહિતના સ્થળોએ પારો ૧૦ સે.થી નીચે ઉતરી જતા કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડા અમરેલીમાં ૯.૨, જામનગરમાં ૯ સે. તો જુનાગઢમાં પણ ૯.૯ સે.તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટ, પોરબંદર, દિવ, મહુવા, નલિયા, કંડલા વગેરે સ્થળોએ પારો સડસડાટ નીચે ઉતરીને ૧૦થી ૧૧ સે.વચ્ચે રહેતા જનજીવન પર વ્યાપક અસર પડી હતી. દિવસે હૂંફાળા સૂર્યકિરણો બાદ બપોરે મહત્તમ તાપમાન ૨૭થી ૨૮ સે.રહેતા તમામ સ્થળે સૂર્યની હાજરી વખતે દિવસ હૂંફાળો લાગતો હતો પણ રાત પડતા જ મોડી સવાર સુધી ગરમવસ્ત્રો વગર નીકળવું પડકારરૂપ બની જાય તેવી તીવ્ર ઠંડીનો અનુભવ થયો છે.