આજરોજ મોદીએ અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં ૪,૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અગાઉની સરકારે પૂર્વોત્તર રાજ્યોની અવગણના કરી હતી. તેમણે રાજ્યના મુખ્યમંત્રીને અભિનંદન આપતા જણાવ્યું કે, ‘સૌભાગ્ય’ યોજના હેઠળ રાજ્યના દરેક ઘરમાં વીજ જોડાણ છે.
પૂર્વોત્તર રાજ્યોને સાથે રાખીને કેન્દ્ર સરકાર ન્યુ ઈન્ડિયાનું સપનું સાકાર કરશે તેમ પીએમે જણાવ્યું હતું. દરેક ઘરમાં અમે વીજળી પહોંચાડીશું. અરુણાચલ પ્રદેશ, દેશનું અભિમાન છે. તે ભારતના વિકાસનો, ભારતની સુરક્ષાનો ગેટ-વે પણ છે. આ ગેટવેને શક્તિ આપવાનું કામ બીજેપી સરકાર કરશે.
અમારી સરકાર વિકાસની પંચધારા પર કામ કરી રહી છે. એટલે કે બાળકોને અભ્યાસ, યુવકોને કમાણી, વૃદ્ધોને દવા, ખેડૂતોને સિંચાઈ અને જન-જનની સુનાવણી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.
અરૂણાચલમાં રીમોટ દ્વારા હોલોન્ગી ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ તેમજ તેઝુમાં વિમાનવાહક એરપોર્ટની આધારશિલા રાખી હતી. આ ઉપરાંત દૂરદર્શનની અરૂણાચલ પ્રદેશ માટેની પ્રાદેશિક ચેનલ ડીડી અરૂણ પ્રભાનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. દરમિયાન વડાપ્રધાનના હસ્તે ૧૧૦ મેગાવોટના હાયડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત જોતેમાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના કાયમી કેમ્પસનો શિલાન્યાસ પણ કરાયો હતો.










![desh1]](https://www.loksansar.in/wp-content/uploads/2019/02/desh1-2.jpg)








