કડજોદરા ગામમાં દિકરીના લગ્નના જમણવાર પહેલા ૧૦૦ ગાયનું પૂજન કરાયું

676

દહેગામ તાલુકાના કડજોદરા ગામે રહેતા વેપારી અરવિંદસિંહ ઝાલાએ તેમની દિકરીના લગ્ન પ્રસંગ નિમિતે જેમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ કહેલો છે અને શાસ્ત્રોમાં પૂજનીય ગણવામાં આવે છે, તેવી ૧૦૦ જેટલી ગાયોને બોલાવીને તેનું પૂજન કરી ઘાસ અને દાણ ખવડાવ્યા બાદ સામાજીક ભોજન સમારંભ અને ત્યાર બાદ દિકરીના લગ્નની વિધી યોજી હતી.

કડજોદરા ગામે રહેતાં અને નાસ્તા હાઉસ ચલાવતાં અરવિંદસિંહ ઝાલાએ શુક્રવારે તેમની દિકરી તુલસીબાના લગ્ન નિમિતે ભોજન સમારંભ અગાઉ લગ્ન સ્થળ નજીકના એક ખેતરમાં કડજોદરા તથા આસપાસના ગામોની ૧૦૦ ગાયોને તેડાવી હતી. માલધારી ભાઇઓ ગાયો સાથે આવી પહોંચતાં અરવિંદસિંહ ઝાલા તેમના પુત્રી તુલસીબા, પુત્રો તેમજ પરિવારજનોએ ગૌ માતાનું પૂજન કર્યુ હતુ અને ત્યાર બાદ તમામ ગાયોને ઘાસ અને દાણ ખવડાવવામાં આવ્યુ હતુ. બાદ સામાજીક ભોજન સમારંભ તેમજ લગ્ન વિધીની શરૂઆત કરવામાં આવી હતી.