અમદાવાદની પેજવન હોટલમાં દારૂ પીને ધમાલ મચાવતા ૭ યુવકોની ધરપકડ

579

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ પેજ વન હોટલમાં દારૂ ઢીંચીને આવેલા સાત શખ્સને પોલીસે ધરપકડ કરતાં ચકચાર મચી ગઇ છે. હોટલના રૂમ નંબર ૪૦૪, ૪૧૦ તેમજ ૪૦૭માં સાત યુવક દારૂ પીને મસ્તી કરતા હતા.

ત્યારે પોલીસે રેડ કરીને તમામની ધરપકડ કરી છે. તમામ યુવક બહારથી દારૂની મહેફિલ માણીને રૂમ પર આવ્યા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ પેજ વન હોટલમાં કેટલાક શખ્સો દારૂ પીધા બાદ ધમાલ અને મસ્તી કરી રહ્યા છે તેવી બાતમી પોલીસને મળી હતી.

પોલીસ પાસે ચોક્કસ બાતમી હોવાને લીધે તેમને હોટલના રૂમ નંબર ૪૦૪, ૪૧૦ તેમજ ૪૦૭માં સર્ચ કરવાનું કહ્યું હતું. પોલીસે હોટલ સ્ટાફનું એક નહીં માનતાં ત્રણેય રૂમમાં જઇને તપાસ કરી હતી. તો ત્યાં સાત યુવક ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.

વસ્ત્રાપુર પોલીસે રૂમ નંબર ૪૦૭માંથી કિશન હિતેશભાઇ રાધનપુરા (રહે.રાજકોટ), અમીષ રાજેન્દ્રભાઇ રાચ્છ (રહે. રાજકોટ) તેમજ રૂમ નંબર ૪૧૦માં હરીશ સુખદેવલાલ શર્મા (રહે પંજાબ) અને રૂમ નંબર ૪૦૪માં સંકેત રણજિત દેસાઇ (રહે વલસાડ), નીલ નરેન્દ્રભાઇ તંબોળી (રહે. નવસારી) અને પાંગરાજ નવઘણસિંહ મહારાવલજી (રહે. નવસારી) અને દીપ ગિરીશકુમાર સંધવી (રહે. વાપી)ની ધરપકડ કરી હતી.

આ સાતેય જણા કોઇ જગ્યા પર દારૂની મહેફિલ માણીને આવ્યા હતા.

Previous articleન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને ૮ વિકેટે હરાવ્યું, ગુપ્ટિલની શાનદાર સદી
Next articleગાંધીનગર સીરીયલ કીલર : શંકાસ્પદ હત્યારાને પકડવા પોલીસે ઈનામ જાહેર કર્યુ