કેનેડા સેટ કરવાની લાલચ આપી ૫ પટેલ પરિવારના ૪૫ લાખ લઈ ગઠિયો ફરાર

0
475

કેનેડા જવાની અને ત્યાનું નાગરીકત્વ મેળવવાની લ્હાયમાં ગાંધીનગર-અમદાવાદમાં રહેતાં અને એકબીજાના સંબંધી એવા પાંચ પટેલ પરિવારે ૪૫ લાખ રૂપિયા ગુમાવ્યા છે.  કુડાસણમાં ઓફિસ ખોલીને બેઠેલો યશ અરોરા પાંચ પરિવારના ૧૭ સભ્યોના ઓરિજનલ પાસપોર્ટ અને પૈસા લઈ છૂ થઈ ગયો હોવાની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જોકે, આરોપીએ ૪૦થી વધુ લોકો સાથે દોઢ કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની આશંકા છે.

પરબતપુરાના રાજેન્દ્રકુમાર પટેલ હાલ કુડાસણમાં અક્ષત હેવન એપાર્ટમેન્ટમાં રહે છે અને ત્યાં જ ઈલેક્ટ્રીક એન્ડ હાર્ડવેરની દુકાન ચલાવે છે. તેમની બાજુમાં આવેલી રિયલ એસ્ટેટની દુકાનમાં આવતા યશ અરોરા સાથે તેમની ઓળખાણ થઈ હતી.

કુડાસણની પ્રથમ રેસિડેન્સીમાં ભાડે રહેતો યશ પોતે પંજાબના ગુરૂદાસપુરનો હોવાનું અને પિતા અમૃતસરમાં એપીએમસી ચેરમેન હોવાનું કહેતો. તેણે કેનેડામાં કાયમી સેટ કરવા કપલ દીઠ ૫૫ લાખમાં કામ કરવાની વાત કરી હતી. રાજેન્દ્રકુમારે સગા-સંબંધીઓને વાત કરતાં પાંચ પરિવારો તૈયાર થયા હતા. આઠ મહિના પહેલાં તેઓ ખાતરી કરવા કુડાસણમાં ઉગતી કોમ્પ્લેક્ષ ખાતે પાંચમા માળે આવેલી તેની યશ એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે ગયા હતા. જ્યાં આરોપી ઓળખના પુરાવારૂપે પાસપોર્ટ બતાવ્યો હતો, જેમાં વિરલાનગર કર્ણાટકનું એડ્રેસ હતું. ફેબ્રુઆરી-૨૦૧૯ સુધી પૈસા ભરવાનું કહેતા પાંચ પરિવારે ૧૭ સભ્યોના ઓરિજનલ પાસપોર્ટ અને કુલ ૪૫ લાખ ભર્યા હતા. ૫ જાન્યુઆરીના રોજ યશ બે-ત્રણ દિવસ કેનેડા જતો હોવાથી ફોન બંધ આવશે તેવું કહીને જતો રહ્યો હતો. યશે પોતાના મામાની કેનેડામાં ૭૫૦ લોડેડ ટ્રકો ચાલતી હોવાનું કહી પોતે પણ ત્યાં ૫૦ એકર જમીન, પેટ્રોલ સ્ટેશન અને મોલ ખરીદ્યાનું જણાવ્યું હતું. મોટો બિઝનેશ હોવાથી કેનેડાની સરકારે તેને બિઝનેસમેન તરીકે સ્વીકારી જોઈતા કારીગરો ઈન્ડિયાથી લાવવાની છૂટ આપી હોવાની વાત કરી હતી અને બાદમાં રૂપિયા ઉધરાવી ફરાર થઈ ગયો હતો. પાંચ પટેલ પરિવાર સાથે યશ અરોરાએ સે-૭, માણસા અને કુડાસણના ત્રણ પરિવારો સહિત ૪૦ લોકોને દોઢ કરોડથી વધુનો ચૂનો લગાડ્‌યોનો અંદાજ છે. હાલ તો પોલીસે આરોપીના પાસપોર્ટ, ફોન નંબર અને ફરિયાદીએ લખાવેલી વિગતોને આધારે આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here