આરટીઇ હેઠળ પ્રવેશને લઇ ઠેકાણાં નથી : વાલીમાં ચિંતા

559

રાઇટ ટુ એજયુકેશન એક્ટ (આરટીઇ) હેઠળ આગામી વર્ષ ૨૦૧૯-૨૦ માટે ધોરણ એકમાં પ્રવેશની કામગીરી આ વર્ષે અડધો ફેબ્રુઆરી માસ વીતી જવા આવ્યો હોવા છતાં પ્રવેશ પ્રક્રિયાના કોઈ ઠેકાણાં નથી, જેને લઇ ખાસ કરીને વાલીઓમાં ચિંતા વ્યાપી છે. પ્રવેશ પ્રક્રિયા વિલંબિત થવાથી આરટીઇ  હેઠળ પોતાના બાળકોને પ્રવેશમાં કોઇ તકલીફ ના પડે કે નવા કોઇ ધાંધિયા ના સર્જાય તેને લઇ વાલીઓમાં સવાલો ઉઠી રહ્યા છે. આરટીઇ હેઠળની આ પ્રવેશ પ્રક્રિયા લગભગ તા.૨૫ માર્ચ એક મહિના પછી પછી શરૂ થવાની શકયતા સેવાઇ રહી છે, જેને લઇ વાલીઓ ચિંતાતુર બન્યા છે. અમદાવાદ શહેર સહિત રાજયભરની પ્રાથમિક શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા અનામત બેઠકો પર ઓનલાઇન પ્રવેશ આપવાની પ્રક્રિયાનો પ્રારંભ સામાન્ય રીતે ફેબ્રુઆરીથી થઈ જાય છે. ગત વર્ષે તા.૧૬ ફેબ્રુઆરીથી આ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. જેમાં અમદાવાદ શહેરમાં ૧૯ હજાર જેટલાં બાળકોને જયારે રાજયભરમાં મળી કુલ ૮૦ હજાર જેટલાં બાળકોને આરટીઇ એકટ હેઠળ પ્રવેશ આપવાનો ટાર્ગેટ રખાયો હતો. આધારભૂત સૂત્રોનાં જણાવ્યા મુજબ, આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટેની એક બેઠક વિભાગ દ્વારા તા.૨૬ ફેબ્રુઆરીના રોજ આયોજિત કરાઈ છે, જેમાં આરટીઇની પ્રવેશ પ્રક્રિયાને લઇ જરૂરી તમામ નિર્ણયો લેવાવાની શકયતા છે. ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ અને લોકસભા ચૂંટણી તમામ બાબતોની ચર્ચા બાદ આરટીઇ પ્રવેશ પ્રક્રિયા માટેના ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જાહેરાત કરાશે.  ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં આરટીઇ અંતર્ગત એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં ત્રણ રાઉન્ડમાં અંતિમ રાઉન્ડ તા.૩૦ ઓગસ્ટ સુધી ચાલ્યો હતો. કાનૂની અડચણોમાં ફસાયેલી આ પ્રક્રિયા છ માસ ચાલી હતી. ગત વર્ષે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયામાં ગૂગલ મેપના સહારે શાળાઓની ફાળવણી સહિતની બાબતોમાં ઊઠેલી વ્યાપક ફરિયાદો અને કથિત ગેરરીતિઓને જેના કારણે પ્રવેશને લાયક હોય તેવા અમદાવાદના ત્રણ હજારથી વધુ બાળકો સહિત કુલ ૩૮,૦૦૦ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયેલા અને ૩૩.૦૦૦ જેટલી બેઠકો ખાલી રહી હતી. આ વર્ષે પણ ધોરણ-૧માં ખાનગી પ્રાથમિક શાળાઓમાં એડમીશન પ્રક્રિયા ચાલુ થઇ ચૂકી છે. આરટીઇ અંતર્ગત પ્રવેશમાટે સરકાર દ્વારા ગુજરાતી માધ્યમની ૪૪૦થી વધુ, હિન્દી માધ્યમની ૮૦, અંગ્રેજી માધ્યમની ૨૫૫, ઉર્દૂની ત્રણ અને સીબીએસઇની તમામ શાળાઓને આરટીઇ એકટ હેઠળની પ્રવેશ પ્રક્રિયામાં સમાવિષ્ટ કરાઇ છે. આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતાં બાળકોના વાલીઓએ રૂ.એક લાખની વાર્ષિક આવકના પ્રમાણપત્ર, એસસી,એસટી સહિતના જાતિનાં પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, બીપીએલ, કાર્ડ, જન્મનો દાખલો, લાઇટબિલ, ટેલિફોન બિલની છેલ્લી કોપી અને તેની બે મહિનાનાં બિલની કોપી સહિતના સંબંધિત દસ્તાવેજા રજૂ કરવાના રહેશે, તેથી વાલીઓએ અત્યારથી જ આ બધા જરૂરી પુરાવા એકત્ર કરીને તૈયાર રાખવા કે જેથી પ્રવેશ પ્રક્રિયા વખતે પાછળથી કોઇ મુશ્કેલી ના થાય.