ચામુંડા માતાના મંદિરના ડુંગર પર ભીષણ આગઃ૫૦૦ મીટર જંગલમાં ફેલાઇ

734

અરવલ્લીના મોડાસામાં આવેલા સરડોઇ ગામે ડુંગરોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. અહીં ડુંગર પર આવેલા ચામુંડા માતાજીના મંદિરના ડુંગર પર ભીષણ આગ લાગી છે. આગે ભયાનક સ્વરૂપ પકડ્યું હોવાનું સામે આવ્યું છે. તો ફાયર ફાઇટરનો કાફલો મંદિરે દોડી આવ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરાયા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મોડાસાના સરડોઇ ગામ પાસે ડુંગરોમાં આગ ફાટી નીકળી છે. અહીં અંદાજે ૫૦૦ મીટરના ડુંગરાળ વિસ્તારો માં આગ લાગી છે. આગ લાગતા નાસભાસ મચી જવા પામી છે. તો આ ડુંગર પર ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, જેના કારણે અનેક શ્રદ્ધાળું ફસાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આગને પગલે વનવિભાગના કર્મચારીઓ અને ફાયર ફાઇટર દ્વારા આગને કાબુમાં મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તો હાલ કોઇ જાનહાની થયાનું બહાર આવ્યું નથી. પરંતુ બે કલાકથી વધુ સમયથી આગ લાગેલી છે, અહીં આસપાસ કેટલાક ગામ પણ આવેલા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયની લાગણી પ્રવર્તી છે, તો જંગલ વિસ્તાર હોવાને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ સેવાય રહી  છે.