તમિળનાડુમાં અન્નાદ્રમુક અને ભાજપ એકસાથે ચૂંટણી લડશે

638

લાંબા સમયથી દક્ષિણ ભારતમાં મજબૂત સાથી પક્ષ તરીકેની શોધમાં રહેલા ભારતીય જનતા પાર્ટીને આખરે મોટી સફળતા મળી ગઈ છે. રાજ્યમાં સત્તારુઢ ઓલ ઇન્ડિયા અન્નાદ્રવિડ મુનેત્ર કઝગમ (અન્નાદ્રમુક) અને ભાજપે સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. આની સાથે જ ભારતને ખુબ મોટો ફાયદો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. બંને પાર્ટીઓએ તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધો છે. ભાજપ અન્નદ્રમુક, પીએમકે અને અન્ય પક્ષો સાથે મળીને ગઠબંધનમાં પાંચ સીટો ઉપર ચૂંટણી લડશે. તમિળનાડુમાં તમામ ૩૯ સીટો માટે ગઠબંધન થયું છે. પુડ્ડુચેરીમાં એક સીટ માટે ગઠબંધન થયું છે. પાર્ટીઓ રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી પણ સાથે મળીને લડશે. આજે બપોરે ચેન્નાઈમાં બંને પાર્ટીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તમિળનાડુમાં નવા રાજકીય સમીકરણો રચાવવાના સંકેત દેખાઈ રહ્યા છે. તમિળનાડુમાં ભાજપ ચૂંટણી ઇન્ચાર્જ અને રેલવેમંત્રી પીયુષ ગોયેલ, કેન્દ્રીયમંત્રી રાધાકૃષ્ણન, રાજ્યભાજપ પ્રમુખ સુંદર રાજન અને અન્યો દ્વારા અન્નાદ્રમુકના સંયુક્ત સંયોજક અને મુખ્યમંત્રી કે પલાનીસામી અને પાર્ટીના નાયબ કો-ઓર્ડિનેટર તથા નાયબ મુખ્યમંત્રી પનીરસેલ્વમ સાથે વાતચીત યોજવામાં આવી હતી. ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગોયેલે કહ્યું હતું કે, તેઓ આ બાબતથી ખુશ છે કે, અન્નાદ્રમુક અને ભાજપ સફળ વાતચીત કરી શક્યા છે. ગઠબંધન ભાગીદારો સાથે મળીને તમિળનાડુ અને પુડ્ડુચેરીમાં ચૂંટણી લડવામાં આવનાર છે. ગોયેલે એમ પણ કહ્યું હતું કે, એનડીએના તમામ પક્ષો મજબૂતી સાથે એકબીજાની સાથે છે. આનાથી એનડીએ મજબૂત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તથા પલાનીસામી અને પનીરસેલ્વમના માર્ગદર્શન હેઠળ એનડીએ તમામ ૪૦ સીટો જીતશે. અગાઉ પીએમકે અને અન્નાદ્રમુકે પણ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. તમિળનાડુમાં પીએમકે સાત સીટો ઉપર ચૂંટણી લડનાર છે. મળેલી માહિતી મુજબ પીયુષ ગોયેલે કહ્યું હતું કે, રાજ્યમાં તમામ પાર્ટીઓ પૂર્ણ તાકાત લગાવી દેશે. આ પહેલા અન્નાદ્રમુક અને પીએમકે વચ્ચે વાતચીત થઇ હતી. અન્નાદ્રમુક ભાજપને પાંચ સીટો આપનાર છે. આ ગઠબંધન આગામી લોકસભાની ચૂંટણીમાં ઉપયોગી સાબિત થશે. તમામ  લોકો જાણે છે કે, ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર આંધી હતી ત્યારે પણ અન્નાદ્રમુકે ૩૯ લોકસભા સીટ પૈકી ૩૭ સીટો જીતી હતી જ્યારે ડીએમકેને એક પણ સીટ મળી ન હતી. આ વખતે ડીએમકે અન્નાદ્રમુકને ભીંસમાં લેવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી રહ્યું છે. આ ઉપરાંત અન્ય આઠ દળો સાથે પણ વાતચીત થઇ રહી છે. તમિળનાડુ પહેલા ગઇકાલે મહારાષ્ટ્રમાં પણ સમજૂતિ થઇ હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના લોકસભા અને વિધાનસભાની ચુંટણી સાથે મળીને લડવા માટે સહમત થઈ ગયા છે. બંંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને પણ સમજૂતિ થઈ ચુકી છે. ભાજપ ૨૫ અને શિવસેના ૨૩ સીટો ઉપર ચુંટણી લડશે. વિધાનસભા ચુંટણીમાં બંને પાર્ટી બરોબર સીટો પર ચુંટણી લડશે.