રસીના બંને ડોઝથી ઓમિક્રોનના ગંભીર લક્ષણ નહીં જોવા મળે

81

દેશમાં મળી આવેલા ઓમિક્રોનના બંને દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળ્યા છે, આ બંને દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા
બેંગલુરુ, તા.૩
કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોને ભારતમાં દેખા દીધી છે. ચિંતાની વાત એ છે કે દેશમાં આ વાયરસથી સંક્રમિત એકમાત્ર ભારતીય એવા બેંગ્લોરના ડૉક્ટરની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આ સૂચવે છે કે ઓમિક્રોને હકીકતમાં આપણા દેશમાં ઘણા સમય પહેલા જ પ્રવેશ કર્યો હોવો જોઈએ. કદાચ જીનોમ સિક્વન્સિંગ દ્વારા તેની ઓળખ કરવામાં વિલંબ થયો હશે. અગાઉના તમામ પ્રકારોમાં કરતા વધુ ઝડપથી ફેલાતા ઓમિક્રોનના સંક્રમણને ટાળવાનો માર્ગ હાલમાં એક જ દેખાઈ રહ્યો છે, તે છે રસીના તમામ ડોઝ લેવા અને યોગ્ય માસ્ક સહિત અન્ય સાવચેતી રાખવી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ આગ્રહ કર્યો છે કે નવા વેરિયન્ટ સામે લડવાની રીત એ જ જૂની છે જે અમે અત્યાર સુધી કરતા આવ્યા છીએ. રોગ ગંભીર ન બને તે માટે રસીના તમામ ડોઝ લેવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત, આપણે માસ્ક પહેરવાનું છે, તે પણ યોગ્ય રીતે. ભીડથી દૂર રહેવું, સામાજિક અંતર અને હેન્ડ સેનિટાઇઝેશન ચાલુ રાખવું પડશે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વીકે પૌલે જણાવ્યું હતું કે, ઓમિક્રોનના આ નવા પડકાર પછી પણ રસીકરણ એ સૌથી મહત્વપૂર્ણ છે. આપણે ભાગ્યશાળી છીએ કે રસી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમણે કહ્યું, ગભરાવાની જરૂર નથી. આપણે બધાએ જવાબદાર બનવાનું છે. અત્યારે વેરિયન્ટ્‌સ સંબંધિત નવી માહિતી બહાર આવી રહી છે અને આપણે બધા ઘણુ નવું નવું જાણી રહ્યા છીએ. કર્ણાટકમાં જે ડૉક્ટરને ઓમિક્રોન વેરિયન્ટથી ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે, અને જેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા તેઓ હાલમાં હોસ્પિટલમાં આઈસોલેશનમાં છે. અત્યાર સુધીમાં ડૉક્ટરના ૧૩ પ્રાથમિક સંપર્કો અને ૨૦૫ ગૌણ સંપર્કો શોધી કાઢવામાં આવ્યા છે. બીજી તરફ ૬૬ વર્ષીય દક્ષિણ આફ્રિકાના નાગરિક કે જેમને ઓમિક્રોન ચેપની પુષ્ટિ થઈ છે તે દેશ છોડી ગયો છે. આ વ્યક્તિ ૨૦ નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાથી બેંગ્લોર આવ્યો હતો, જે એટ રિસ્ક એટલે કે જોખમમાં રહેલા દેશોમાં સામેલ છે. ત્યારબાદ તેને શહેરની હોસ્પિટલમાં આઇસોલેટ થવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તેના સેમ્પલનું જિનોમ સિક્વન્સિંગનું પરિણામ આવ્યું ત્યાં સુધીમાં તે વ્યક્તિ ૨૭ નવેમ્બરે દુબઈ જવા રવાના થઈ ગયો હતો. હાલમાં સારી વાત એ છે કે દેશમાં મળી આવેલા ઓમિક્રોનના બંને દર્દીઓમાં માત્ર હળવા લક્ષણો જ જોવા મળ્યા છે. આ બંનેએ રસીના બંને ડોઝ લીધા હતા.