ન્યુ દિલ્હી : ઇરાનના ઇસ્ફહાન શહેરમાં ગત ૧૩ ફેબ્રુ.ના રોજ થયેલા ફિદાયીન હુમલામાં ઇરાનના ૨૭ રિવોલ્યૂશનરી સૈનિકોના મોત થયા હતા. માહિતી અનુસાર, આ હુમલા પાછળ પાક. આતંકી સંગઠન જૈશ-અલ-અદ્દલનો હાથ છે. આ અગાઉ ઇરાન રિવોલ્યૂનરી ગાડ્ર્સના મેજર કમાન્ડર મોહમ્મદ અલી જાફરીએ જેહાદી સંગઠન જૈશ-અલ-અદ્દલની તરફ ઇશારો કરતાં કહ્યું કે, પાકિસ્તાન સરકાર સારી રીતે જાણે છે કે, જેહાદી અને ઇસ્લામ માટે જોખમ બનતા લોકો ક્યાં છે અને તેઓને પાકિસ્તાનની આર્મીનું સમર્થન મળેલું છે. બીજી તરફ, ઇઝરાયલ સરકારે કહ્યું કે, ભારતને આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં અમે બિનશરતી તમામ મદદ કરવા માટે તૈયાર છીએ. ઇરાનના મેજર કમાન્ડર જાફરીએ ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન સરકાર આ આતંકીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી નહીં કરે તો અમે આ જેહાદી ગ્રૂપને જડબાતોડ જવાબ આપીશું અને પાકિસ્તાને તેઓનું સમર્થન કરવાનું પરિણામ ભોગવવું પડશે. ઉલ્લેખનીય છે કે, ગત ૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કૉનવોય પર આતંકવાદી હુમલો થયો હતો. આ ફિદાયીન હુમલામાં કેન્દ્રિય રિઝર્વ પોલીસના ૪૨ જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ અમેરિકા સહિત તમામ દેશોએ પાકિસ્તાનની ટીકા પણ કરી હતી. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પ્રાયોરિટી કન્ટ્રી ઇન ટ્રેડના દરજ્જાને છીનવી લીધો હતો અને સાથે જ પાકિસ્તાનથી આવતા સામાન પર કસ્ટમ ડ્યૂટીમાં ૨૦૦ ટકાનો વધારો કર્યો હતો.



















