સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સઉદે બુધવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. બંને દેશો વચ્ચે પાંચ સમજૂતી થઈ. આ પ્રસંગે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પણ હાજર રહ્યાં. મોદી-સલમાન વચ્ચે સુરક્ષા, સહયોગ અને નેવી અભ્યાસ જેવાં મામલાઓ પર ચર્ચા થઈ. આ પહેલાં સલમાનનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રકારના ઉમળકાભેર સ્વાગતથી ગદગદ થઈ સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલામાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ક્રાઉન પ્રિંસે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા મોટા ભાઈ જેવા છે. હું તેમનો નાનો ભાઈ છું.
બંને દેશો વચ્ચે પાંચ સમજૂતી થઈ જેમાં ભારત અને સાઉદી અરબ વચ્ચે ઉર્જાને લઈને કરાર, પર્યટન ક્ષેત્રમાં એમઓયુ પર હસ્તાક્ષર થયા, દ્વીપક્ષીય કારોબારને વધારવા માટે કરાર, પ્રસાર ભારતી અને સાઉદી અરબ વચ્ચે પ્રસારણને લઈને કરાર, ઈન્ટરનેશનલ સોલર એલાયન્સના ક્ષેત્રે કરાર
કરાર પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “પ્રિન્સ સલમાનની પહેલી ભારત મુલાકાતને લઈને તેમના સ્વાગતને લઈને ખુશી થાય છે. તમારા માર્ગદર્શનથી અમારા દ્વિપક્ષીય સંબંધોમાં મધુરતા આવી છે. ૨૧મી સદીમાં સાઉદી અરબ ભારતની ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.”
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સઉદે કહ્યું કે, ભારતમાં ડેલિગેશન હેડ તરીકે આ મારો પહેલો પ્રવાસ છે. બન્ને દેશોએ છેલ્લા ૫૦ વર્ષમાં સંબંધોમાં મજબૂતાઈ મેળવી છે. અમે કૃષિ, ઉર્જાનાં ક્ષેત્રે મળીને આગળ વધીશું. અમે ૪૪ હજાર બિલિયનનું રોકાણ કર્યુ છે. અમે ઈચ્છીએ છીએ કે બન્ને દેશો મળીને રોકાણને ફાયદાકારક બનાવીશું. જ્યાં સુધી આતંકવાદની વાત છે તો હું કહેવ માગીશ કે સાઉદી તેની સામે ભારત સાથે મળીને કામ કરશે. અમારે તમારો આભાર માનીશું.
મોદી તેમની સામે આંતકવાદનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. પ્રિન્સ પોતે પણ બન્ને દેશો વચ્ચે તણાવમાં ઘટાડો કરવા માટે પહેલ કરી શકે છે.
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પ્રિન્સનાં આ પ્રવાસમાં બન્ને દેશો વચ્ચે પાંચ કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતાઓ છે. જેમાં રોકાણ, પર્યટન , હાઉસિંગ, સૂચના અને પ્રસારણ જેવા ક્ષેત્રો પણ સામેલ છે.
મંગળવારે રાતે ક્રાઉન પ્રિન્સ સલમાન દિલ્હી પહોંચી ગયા હતા. અહીં વડાપ્રધાને જાતે એરપોર્ટ પર જઈને તેમનું સ્વાગત કર્યું હતું. બંને દેશો વચ્ચે આજે ઘણાં આર્થિક કરાર થવાની શક્યતા છે. જોકે દરેક લોકોની નદર આતંકવાદ મુદ્દા પર ટકેલી છે. તે ઉપરાંત બુધવારે સાઉદી પ્રિન્સ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે.
સાઉદી અરબે પાકિસ્તાન સાથે ૨૦ અબજ ડોલર એટલે કે અંદાજે ૧ લાખ ૪૩ હડાર કરોડ રૂપિયાની ડીલ કરી હતી. સાઉદી અરબ પાકિસ્તાનને આ પહેલાં જ ૪૩ હજાર કરોડનું ધિરાણ આપી ચૂક્યા છે.પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ક્રાઉન પ્રિન્સે જે સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે તેમાં કહ્યું છે કે, તેમણે ભારત-પાકિસ્તાનને સંવેદનશીલ મુદ્દાઓ પર સાથે મળીને ચર્ચા કરવાનું સૂચન આપ્યું છે.
ક્રાઉન પ્રિન્સની મુલાકાત પહેલાં સાઉદી અરબના વિદેશ મંત્રી એડલ-અલ-જુબૈરે કહ્યું કે, પ્રિન્સ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરશે. પુલવામા હુમલા પછી બંને દેશોનો તણાવ ચરમ સીમાએ પહોંચી ગયો છે. બુધવારે મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત થશે. ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાઉદી અરબ કાશ્મીર અને સીમા પર આતંકવાદ મામલે પાકિસ્તાનની વાતનો સ્વીકાર કરી રહ્યા નથી. આ સંજોગોમાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોના મામલે ભારત આકરો વિરોધ નોંધાવશે.



















