ભૂજમાં થયેલી હત્યાનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલ્યો

996

ભુજના માધાપર નજીક ટ્રકોના પાર્કિંગનુ સંચાલન કરતા આધેડની હત્યા મામલે પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા મુદ્દે જે વ્યક્તિ પર શંકા વ્યક્ત કરાઇ હતી. તેને જ હત્યા કરી હોવાની કબુલાત કરી છે. ભુજ બી ડીવીઝન પોલીસે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, ભુજ નજીકના માધાપર ગામે ટ્રકોના પાર્કિંગ પ્લોટ રાખી સંચાલન કરતા નારાણ લખુ જરૂની ગઇકાલે થયેલી હત્યા મામલે તેની હત્યા કરનાર આરોપી અંતે પોલીસની કસ્ટડીમાં આવી ગયો છે. આમ તો પરિવારે પહેલાથી જ હત્યા મામલે જુસબ સુલેમાન કુરેશી પર શંકા વ્યક્ત કરી હતી. ત્યારે હત્યા બાદ ગુમ થયેલા જુસબની પોલીસે ગાંધીધામથી ધરપકડ કરી છે.

જુસબની પુછપરછમાં તેણે કબુલાત કરી છે કે કામ બાબતે ઠપકો આપવો અને નજીવી બાબતે બોલાચાલીનુ મનદુઃખ રાખી તેને નારાણની હત્યા કરી નાંખી હતી. તેની પાસેથી હથિયાર કબ્જે કરવા સહિત પોલિસ રીમાન્ડ દરમ્યાન તેની પુછપરછ કરશે. જો કે નજીવી બાબતનુ મનદુખ નારાણભાઇ માટે જીવલેણ સાબિત થયુ હતું.

હત્યાનો કિસ્સો પ્રકાશમા આવ્યો ત્યારે પોલીસ માટે અજાણ્યા હત્યારા સુધી પહોંચવુ એક કોયડા સમાન હતુ. પરંતુ પરિવારની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકોમાં હત્યા કરનાર જુસબ પોલીસની કસ્ટડીમાં આવી ગયો હતો, માત્ર નજીવી બાબતે બન્ને વચ્ચે થયેલી બોલાચાલીમાં જુસબ ઉશ્કેરાઇ ગયો અને નારણની વહેલી સવારે નિર્મમ હત્યા કરી ફરાર થઇ ગયો હતો.

Previous articleભાજપ સૈનિકોનું બલિદાન ભૂલી વોટ મેળવવા સક્રિય
Next articleઅમદાવાદ : હેલ્મેટ સર્કલ નજીક એટીએમમાં આગ