પાટનગરના રેલવે સ્ટેશનને મહાત્મા મંદિર સાથે સાંકળવા માટે ૯૩ કરોડનો ખર્ચ કરાશે

670

ગાંધીનગરમાં મહાત્મા મંદિર પ્રકલ્પ સાથે જોડવામાં આવેલા કેપિટલ રેલ્વે સ્ટેશનના નવીનીકરણ અને તેને આનુષાંગિક અન્ડર બ્રિજના સંબંધમાં બજેટમાં રૂપિયા ૯૩ કરોડની જોગવાઇ કરાઇ છે.

જ્યારે સેક્ટર ૧૦માં બાંધવામાં આવેલા કર્મયોગી ભવનમાં વધુ બે બ્લોક બાંધવા માટે રૂપિયા ૪૨ કરોડ અને જુના સચિવાલયમાં સુધારણાના કામ તથા નવા બહુમાળી ભવનના બાંધકામ કરવા માટે રૂપિયા ૧૭.૫૦ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. જે પ્રકારે નાણાની ફાળવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત જે નાણાની ફાળવણી કરવામાં આવી છે. તેમાં ગાંધીનગર ઉપરાંત અન્ય જિલ્લાને સાંકળતી યોજનાઓનો સમાવેશ થતો હોવાથી કુલ રૂપિયા ૩૫૦ કરોડ ઉપરાંતના કામ શહેર અને સમગ્ર જિલ્લા વિસ્તારમાં હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર રેલ્વે અને શહેરી વિકાસ નિગમના નામ પરથી ગરૂડ નામની કંપની સ્થાપીને સરકારે હાલના રેલ્વે સ્ટેશન પર કેન્દ્ર સરકારના સહયોગથી ફાઇવ સ્ટાર હોટેલનો પ્રોજેક્ટ મુક્યો છે. તેમાં વ્યવસ્થા એ પ્રકારે ઉભી કરાશે કે પ્રથમ ૨ માળ રેલ્વે સ્ટેશન માટે અને તેની ઉપર હોટેલ રહેશે. સ્ટેશન પર ઉતરનાર વ્યક્તિ લિફ્‌ટ મારફતે હોટેલ પર પહોંચી શકશે અને ત્યાંથી કેબલ સ્ટેડ બ્રિજ મારફતે ચાલીને કે વાહન દ્વારા મહાત્મા મંદિર પહોંચી શકશે. તેમ કરવામાં તેને જાહેર રોડ પર ક્યાંય આવવું પડશે નહીં.

હવે ત્યાં અન્ડર બ્રિજ પણ આ કારણે જ અપાયો છે. તેના કારણે ખ માર્ગ પરનો રૂટીન ટ્રાફિક અન્ડર બ્રિજમાંથી પસાર થતો રહેશે.આ રીતે હવે આગામી દિવસોમાં આ કામ હાથ ધરાશે.

સેક્ટર ૧૫માં આવેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્‌ર્સ યુનિવર્સિટીમાં વિવિધ રમતના મેદાન, સ્પોટ્‌ર્સ હોસ્ટેલ તથા માળખાકિય સુવિધાઓ માટે ૧૦કરોડ, દહેગામના લવાડ પાસે રક્ષા શક્તિ યુનિસર્વિટીમાં વિકાસના કામો માટે રૂપિયા ૪૬ કરોડ, અને કામધેનું યુનિવર્સિટી માટે રૂપિયા ૩૦ કરોડ ફાળવાયા છે.

ગાંધીનગર શહેર વિસ્તાર સહિત રાજ્યમાં ૫ અંગ્રેજી માધ્યમની આદર્શ નિવાસી શાળાઓ ખોલવા માટે રૂપિયા ૨ કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે.

Previous articleરાજ્યમાં ઠંડી વધી, ૧૧ ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર
Next articleહોલ ટીકિટમાં કેન્દ્ર ૯૦ કિ.મી. દૂર આવતા વિદ્યાર્થીઓનો હોબાળો