ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજુ : નલિયામાં પારો ૭.૭

895
guj28122017-8.jpg

અમદાવાદ સહિત રાજ્યભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર પૂર્વીય પવનોના કારણે લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે રાજ્યના અનેક ભાગોમાં પારો ૧૦થી પણ નીચે પહોંચી ગયો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન ગગડીને ૭.૭ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જ્યારે કંડલા એરપોર્ટ ખાતે પારો ગગડીને ૯.૫ સુધી પહોંચ્યો હતો. અમરેલીમાં ૯.૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય ભાગોમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તીવ્ર ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે.  રાજ્યમાં એકાએક ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. હાલમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યા છે. છેલ્લા બે ત્રણ દિવસમાં તાપમાન નીચે પહોંચી ગયુ છે. રાજ્યના જે ભાગોમાં  વધારે ઠંડીનો અનુભવ આજે થયો હતો તેમાં ડીસા, ગાંધીનગર, વડોદરા, વલસાડ, મહુવા, નલિયાનો સમાવેશ થાય છે. જોકે ક્રિસમસના પર્વ ઉપર જેટલી ઠંડીનો અનુભવ સામાન્ય રીતે થાય છે તેટલો અનુભવ થયો નથી.  વર્તમાન સિઝનમાં નિષ્ણાત તબીબો દ્વારા ખાસ કરીને બાળકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ઈન્ફેકશન અને પેટના દુખાવાની ફરિયાદો જોવા મળી રહી છે. ફુડ પોઈઝનીંગના  કેસ પણ આ સિઝનમાં વારંવાર જોવા મળે છે. અમદાવાદ શહેરમાં પણ લોકોએ સવારમાં ઠંડીનો અનુભવ કર્યો હતો.
સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.  ઉત્તર  ભારતમાં એક બાજુ તીવ્ર ઠંડી અને ધુમ્મસના કારણે ટ્રેન અને વિમાની સેવા ઉપર માઠી અસર થઇ રહી છે ત્યારે હવે ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. દરમિયાન અમદાવાદ શહેરમાં ડિસેમ્બર-૨૦૧૬ કરતા પણ વધુ ઝાડા ઉલ્ટીના કેસ નોંધાવા પામ્યા છે જેમાં આ વર્ષે માત્ર ૨૩ દિવસમાં ઝાડા ઉલ્ટીના ૪૭૩ કેસ નોંધાવા પામ્યા છે આ ઉપરાંત શહેરમાં જમાલપુર અને વેજલપુર વોર્ડમાં કોલેરાનો એક એક કેસ નોંધાવા પામ્યો છે.

Previous articleનારી ગામ પાસેથી દારૂ-બિયર ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો
Next articleહવે ગુજરાત કોંગી સંગઠનમાં ફેબ્રુઆરી બાદ મોટા ફેરફારો