મનપા દ્વારા એડવાન્સ ટેક્સ બદલ ૧૨ ટકા સુધીના વળતરની જાહેરાત

595

ગાંધીનગર મન૫ા દ્વારા એડવાન્સ ટેક્સ બદલ આ વર્ષે પણ ૧૨ ટકા સુધીના વળતરની જાહેરાત કરાઈ છે. ૧ એપ્રિલથી ૩૧ મે સુધી ચાલનારી યોજના અંતર્ગત મિલકતવેરાની રકમ પર ૧૦ ટકા અને ઓનલાઈન ચૂકવણી પર વધુ બે ટકા વળતર મળશે. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં અંદાજે ૪૫ હજાર રહેણાંક અને ૧૦ હજાર કોમર્શિયલ મિલકતો આવેલી છે.

શહેરના કુલ ૫૫ હજાર મિલકતોમાંથી ૩૦ હજાર મિલકત ધારકોએ ગત વર્ષે એડવાન્સ ટેક્સ ભર્યો હતો. ત્યારે હવે પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે જ એડવાન્સ ટેક્સમાં ૧૨ ટકા સુધીના વળતરની જાહેરાત મ્યુનિસિપલ કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણે કરી છે. વાર્ષિક મિલકતવેરામાં રકમ ફેરફાર થવા પાત્ર હોવાથી કર ભરવા આવતા મિલકતધારકોને કોરો ચેક લઈને આવવા જણાવાયું છે. તેથી મનપા તરફથી જાહેર કરવામા આવેલી આ નવી જોગવાઈનો લાભ લેવા ખાસ અનુરોધ કરાયો છે.  શહેરીજનો માટે વેરો ભરવા માટે કોર્પોરેશન દ્વારા પાંચ સ્થળ નક્કી કરાયા છે. મ્યુનિસિપલ ઓફિસ ગ્રાઉન્ડ ફ્‌લોર, સેકટર-૨૨ની વોર્ડ ઓફિસ અને સેકટર-૨૭ના બગીચામાં ત્રીજી એપ્રિલથી વેરાની રકમ સ્વીકારવામાં આવશે.

આ ત્રણ સ્થળે સવારે ૯.૩૦થી સાંજે ૪.૦૦ સુધીનો સમય રહેશે. જ્યારે બેંકના સમય મુજબ આઈસીઆઈસીઆઈ બેંકની સેકટર-૧૬ અને ઈન્ફોસિટીની શાખામાં ટેક્સના નાણા સ્વીકારવામાં આવશે. તેથી પાટનગરના જે લોકો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓને તેનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવી છે.

Previous articleઅરવલ્લીમાં સ્વાઈન ફલુનો કહેર યથાવત : ૫ દિવસમાં૧૯ કેસ નોધાયાં
Next articleશાંતિ એક્સપ્રેસ ગાંધીનગર- અમદાવાદ વચ્ચે રદ રહેશે