બિહારમાં ભાજપ નેતાના ઘર પર ૫૦ નક્સલીઓનો હુમલોઃ ઘર ફૂંકી માર્યું

1154

બિહારના નક્સલગ્રસ્ત વિસ્તાર ડૂમરિયામાં બુધવારે મોડી રાત્રે નક્સલિઓએ ડાયનામાઇટ લગાવીને પૂર્વ એમએલસી અનુજ કુમાર સિંહના ઘરના ફૂરચે-ફૂરચા ઉડાડી દીધા હતા. નક્સલીઓ દ્વારા કરાયેલા આ હુમલાને પગલે એમએલસીનું ઘર ક્ષતિગ્રસ્ત થઇ ગયું છે. લોકસભા ચૂંટણીની ઘોષણા બાદ નક્સલિઓએ પોતાની તાકાત બતાવીને પ્રશાસને પડકાર આપી દીધો છે, આવામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવી એ પ્રશાસન માટે મોટી મુશ્કેલી સાબિત થશે.

જો કે આ હુમલાથી કોઇ જાન-હાનિ થઇ નથી.

પ્રતિબંધિત નક્સલી સંગઠન ભાકપા માઓવાદીની હથિયારોથી સજ્જ એક ટુકડી પૂર્વ એમએલસી અનુજ કુમાર સિંહના ઘરે મોડી રાત્રે ત્રાટકી હતી. નક્સલીઓએ તેમના પરિવારજનોને ઢોર માર માર્યો અને તેમના ઘરને વિસ્ફોટકથી ઉડાવી દીધું હતું. ઘટના બાદથી તેમના ગામમાં ભયનો માહોલ છે. પ્રાપ્ત માહિતી મુજબ ૫૦થી વધુ નક્સલીઓ એક સાથે એમએલસીના ડુમરિયા સ્થિત ઘરમાં ત્રાટક્યા હતા.

નક્સલીઓએ ઘરમાંથી એમએલસીના કાકા અને ભાઇને ઢોર માર માર્યો અને વિસ્ફોટક પાદાર્થ લગાવીને ઘરને ઉડાવી દીધું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Previous articleઆશા પટેલનાં વિરોધ અને સમર્થનમાં પોસ્ટર યુદ્ધ છેડાયું
Next articleકારગિલ યુદ્ધમાં પગ ગુમાવનાર મેજર ડીપી સિંહનું સફળ સ્કાઇ ડાઇવિંગ