સિવિલ હોસ્પિટલમાં ૮ દિવસની બાળકીને મૂકી રાજસ્થાની દંપતી ફરાર

824

દિવસે દિવસે નવજાત શિશુઓના ત્યજી દેવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એક મહિનામાં ચાર નવજાત બાળકો ત્યજવાના બનાવ બન્યા છે. અમદાવાદમી અસારવા સિવિલ હોસ્પિટલમાં આઠ દિવસની બાળકીને મૂકી રાજસ્થાની દંપતી ફરાર થઈ ગયું છે. બીજી તરફ દાણીલીમડાના રામરહીમ ટેકરા પાસે આવેલા એક મકાન પાસેથી પણ બાળક મળી આવ્યું હતું. બંને ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે.

શ્વાસની તકલીફ અને ઓછા વજનને લીધે બાળકીને દાખલ કરી હતીઃ એક અઠવાડિયા પહેલા અસારવા સિવિલ હોસ્પિટલમાં રાજસ્થાનના ડુંગરપુરના જ્યોતિભંડા ગામના રહેવાસી કાંતિ મીણા અને જીવાણી મીણા નામનું દંપતી છ દિવસની બાળકીને લઈ આવ્યા હતા. બાળકીનું ઓછું વજન અને શ્વાસની તકલીફ હોવાથી દાખલ કરી હતી. બે દિવસ સુધી માતા-પિતા સાથે રહ્યા હતા. બે દિવસ પહેલા ડોકટર રૂટિન ચેકઅપમાં આવ્યા ત્યારે બાળકના માતા-પિતા ગાયબ હતા. આસપાસમાં પૂછતાં કોઈએ જોયા ન હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત દાણીલીમડા વિસ્તારમાં આવેલા રામરહીમ ટેકરા પાસે ગલી નંબર ૧૧માં રહેતા અફસાના છીપા નામની મહિલાના ઘર પાસે કોઈ અજાણી વ્યક્તિ એક દિવસનું તાજુ જન્મેલું બાળક ત્યજી ફરાર થઈ ગયું હતું. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

પાપ છુપાવવા બાળકોનો ત્યાગઃ છેલ્લા એક મહિનામાં અમદાવાદમાં ચાર નવજાત શિશુઓ ત્યજી દેવાની ઘટના બની છે. એક બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. જયારે અન્ય બાળકો જીવિત હાલતમાં મળી આવ્યા છે. પોતાના પાપ છુપાવવા બાળકોને ત્યજી દે છે.

Previous articleહિંમતનગરમાં ફ્રુટના વેપારીઓ પર તવાઇ
Next articleકોંગ્રેસ અલ્પેશ ઠાકોરને સાબરકાંઠા બેઠક પરથી ટિકિટ આપી શકે છે