આવકવેરા વિભાગે રવિવારે મધ્યપ્રદેશ, દિલ્હી અને ગોવાના ૫૦ ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગના ૫૦૦ અધિકારીઓ સામેલ છે. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના પૂર્વ અંગત સચિવ પ્રવીણ કક્કડ, ભાણેજ રાતુલ પુરી, પૂર્વ સલાહકાર આરકે મિગલાની અને પ્રતીક જોશીના ઘરે તપાસ કરવામાં આવી. ભોપાલમાં પ્રતીક જોશીના ઘરેથી મોટી સંખ્યામાં રોકડ રકમ મળી હતી. અત્યાર સુધીમાં લગભગ ૯ કરોડ રૂપિયા મળવાની વાત સામે આવી છે.
મળતી માહિતી મુજબ દરોડા માટે આવકવેરા વિભાગની ટીમ દિલ્હીથી આવી છે. અધિકારીઓએ શનિવારે રાત્રે ૩ વાગ્યે બંને ઠેકાણાં પર કાર્યવાહી શરૂ કરી. જેમાં રાતુલ પુરી, અમિતા ગ્રુપ, મોજર બિયર સામેલ છે.
દિલ્હીથી આવેલાં આવકવેરા વિભાગના ૧૫ અધિકારીઓની ટીમ ઈન્દોરમાં સ્કીમ નંબર ૭૪ સ્થિત કક્કડના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં વિજયનગર સ્થિત શોરૂમ, બીએમસી હાઈટ્સ સ્થિત ઓફિસ, શાલીમાર ટાઉનશિપ અને જલસા ગાર્ડન, ભોપાલ સ્થિત ઘર શ્યામલા હિલ્સ, પ્લેટિનમ પ્લાઝા કોલોની સહિત અન્ય સ્થળો પર પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રવીણ કક્કડ કોંગ્રેસના નિકટતમ માનવામાં આવે છે. એમપી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ કોંગ્રેસના વોર રૂમના પ્રભારી હતા. તેમેન પોલીસ સેવામાં રહેતા પ્રશંસારૂપ સેવાઓ માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તેઓ ૨૦૦૪થી ૨૦૧૧ સુધી કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલી કાંતિલાલ ભૂરિયાના વિશેષ અધિકારી પણ રહી ચૂક્યા છે.



















