ઇવીએમની સામે વિપક્ષ ફરીવાર એકમત

566

પ્રથમ તબક્કા માટે મતદાનની પ્રક્રિયા થયા બાદ ફરી એકવાર વિરોધ પક્ષોએ ઇવીએમનો મુદ્દો ઉઠાવ્યો છે. આની સાથે જ રાજકીય પક્ષોમાં હોબાળો મચી ગયો છે. લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કા માટે મતદાન થઇ ચુક્યું છે ત્યારે ઇવીએમની સામે વિરોધ પક્ષો એકમત થઇ રહ્યા છે. વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી કરી લીધી છે. અનેક મોટા વિપક્ષી દળોના નેતાઓની આજે દિલ્હીમાં બેઠક થઇ હતી જેમાં ઇવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. બેઠકમાં ઓછામાં ઓછા છ પક્ષોએ ફરિયાદ કરી છે. ઇવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવીને બેલેટ પેપરથી વોટિંગ માટેની માંગ કરી છે. બેઠક બાદ ટીડીપના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ઇવીએમનો મુદ્દો ફરીવાર સુપ્રીમમાં લઇ જવામાં આવશે. નાયડુ શનિવારના દિવસે પણ ઇવીએમમાં ગેરરીતિ અને અનિયમિતતાને લઇને ચૂંટણી પંચમાં રજૂઆત કરી હતી. તેમનો આક્ષેપ છે કે, આંધ્રપ્રદેશમાં ગુરુવારના દિવસે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ૪૦૦૦થી વધારે ઇવીએમ ખરાબ આવ્યા હતા તેમાં ખામી સપાટી ઉપર આવી હતી. તેમણે આજે કહ્યું હતું કે, ઇવીએમના મુદ્દા ઉપર ફરીથી સુપ્રીમકોર્ટમાં જઇશું. ખુબ ઓછા એવા દેશ છે જ્યાં ઇવીએમનો ઉપયોગ થઇ રહ્યો છે. જો મતદારોનો વિશ્વાસ જીતવો છે તો બેલેટ પેપરનો ઉપયોગ કરવો પડશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કપિલ સિબ્બલ આ બેઠકમાં સામેલ થયા હતા. પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ ઇવીએમ ઉપર પ્રશ્નો ઉઠાવા લાગી ગયા છે. અમને લાગતું નથી કે ચૂંટણી પંચ આના ઉપર ધ્યાન આપી રહ્યું છે. એવી ફરિયાદ ઉઠી છે કે, જો કોઇ વ્યક્તિ એક્સ પાર્ટીને મત આપે છે તો મત વાય પાર્ટીને મળે છે. વીવીપેટમાં પણ પરચીઓ સાત સેકન્ડની જગ્યાએ માત્ર ત્રણ સેકન્ડ નજરે પડે છે. લાખો મતદારોના નામ ચકાસણી કર્યા વગર દૂર કરી દેવામાં આવ્યા છે. નામોને ઓનલાઈન દૂર કરી દેવાયા છે.

ચૂંટણી પંચને પાર્ટીઓમાં લાંબી યાદી સોંપવામાં આવી છે. હવે એવું જરૂરી બની ગયું છે કે, ઓછામાં ઓછા ૫૦ ટકા વીવીપેટ ટ્રેલના મત સાથે જોડાણ કરવામાં આવે. અમે આના માટે સુપ્રીમ કોર્ટમાં જઇશું. રાષ્ટ્રભરમાં આંદોલન પણ કરવામાં આવશે. આ પહેલા શનિવારના દિવસે પોતાના પ્રતિનિધિમંડળની સાથે ચૂંટણી પંચમાં પહોંચેલા નાયડુએ રાજ્યના આશરે ૧૫૦ પોલિંગ સ્ટેશનો ઉપર ફેર મતદાનની અપીલ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પોલિંગ બૂથ ઉપર ઇવીએમ મશીનમાં ગેરરીતિ જોવા મળી રહી છે. ચૂંટણી પંચ ઉપર સરકારના ઇશારે કામ કરવાનો આક્ષેપ કરતા નાયડુએ કહ્યું હતું કે, ચૂંટણી પંચ એક સ્વતંત્ર સંસ્થા છે પરંતુ તે વડાપ્રધાન મોદી અને સરકારના ઇશારા પર કામ કરે છે. આ ખુબ જ ગંભીર અને ચિંતાજનક બાબત છે.

Previous articleપ્રથમ તબક્કાના મતદાન બાદ પવનની દિશા નક્કી મહાગઠબંધને પરિણામ પૂર્વે હાર સ્વીકારી લીધી : ભાજપ
Next articleગુજરાતમાં ભાજપ ૨૬ બેઠકો જીતશે,ફરી એકવાર મોદી સરકાર બનશેઃ ફડણવીસ