અમિત શાહના કલોલ રોડ શોમાં લોકો ઉમટી પડ્યા

1489

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ ગુજરાતના એકદિવસીય પ્રવાસે છે ત્યારે, તેઓએ જુદી જુદી બેઠકો અને લોકસંપર્ક યાત્રા યોજીને પોતાના મતક્ષેત્રમાં વિજળીવેગે પ્રચાર-પ્રસાર હાથ ધર્યો હતો. આજરોજ દિવસ દરમ્યાન ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સાબરમતી ઘાટલોડીયા, નારણપુરા,ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં વિવિધ બેઠકો કરી ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર કર્યો હતો. સાબરમતી વિધાનસભા અન્વયે રાણીપ-સાબરમતી ડી-કેબીન અને ચાંદલોડીયા વોર્ડના ચેરમેન અને સેક્રેટરીઓ, ઘાટલોડીયા વિધાનસભા અંતર્ગત ગોતા વોર્ડના ચેરમેન અને સેક્રેટરી નારણપુરા વિધાનસભા અન્વયે નારણપુરા અને નવાવાડજ, સ્ટેડીયમ વોર્ડના ચેરમેન/સેક્રેટરીઓ સાથે શ્રેણીબધ્ધ બેઠકોનું આયોજન કરી સક્ષમ ભારત અને સમૃધ્ધ ભારતના નિર્માણ માટે ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશનું સુકાન સોંપવા અપીલ કરી હતી. આ ઉપરાંત ગાંધીનગર ઉત્તર વિધાનસભા હેઠળના ગાંધીનગર તાલુકાના ૧૨ ગામોના આગેવાનો સાથે અને ગાંધીનગર શહેરના મુખ્ય કાર્યકર્તાઓ સાથે બેઠકો કરીને લોકસભા ચૂંટણી અંતર્ગત જરૂરી સંવાદ કર્યો હતો. આ ઉપરાંત અમિત શાહના ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલ ખાતે ભવ્ય લોકસંપર્ક રોડ-શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલ ખાતે આવેલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી આદરાંજલી અર્પણ કરી ભવ્ય રોડ-શોની શરૂઆત કરી હતી. ત્યાર બાદ આ રોડ-શો નીચે મુજબના રૂટ પ્રમાણે આગળ વધ્યો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને રોડ-શોનું પ્રસ્થાન થયુ હતુ, ત્યારબાદ ત્રણ આંગળી સર્કલ – ખુની બંગલા – રેલ્વે સ્ટેશન – ખમાર ભુવન – ટાવર ચોક – જ્યોતિશ્વર મહાદેવ – નગરપાલિકા જુના ફાયર સ્ટેશન ગેઇટ – નંદલાલ ચોક – વખારીયા ચાર રસ્તા – કોબ્રા સર્કલ – શારદા સર્કલ – બોરીસણા ગરનાળા – અંબિકાનગર – શ્રીજી પાર્લર – પંચવટી હનુમાનજી મંદિર પાસે લોકસંપર્ક યાત્રા (રોડ-શો)નું સમાપન થયુ હતુ.

કલોલ ખાતેના આશરે ૭ કિલોમીટરના રોડ-શો દરમ્યાન શહેરમાં જુદા જુદા સ્થળોએ જુદી જુદી સંસ્થાના આગેવાનો, વિવિધ વેપારી એસોશિએસનો, સમાજશ્રેષ્ઠીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને ભારત માતા કી જય અને વંદે મારતમ્‌ ના જયઘોષ સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કર્યુ હતુ. આ રોડ-શોના દરમ્યાન વિવિધ સમાજના લોકોએ ઢોલ-નગારા-ત્રાંસા સાથે પારંપરિક પરિધાન સાથે હાજર રહીને અમિત શાહનુ ભવ્યાતિભવ્ય અભિવાદન કરી પ્રચંડ બહુમતીથી જીતની અઢળક શુભેચ્છાઓ અર્પી હતી. સમગ્ર રોડ-શો દરમ્યાન હજારોની સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા ભાઇઓ-બહેનોએ પુષ્પવર્ષા કરી અમિત શાહનું સ્વાગત અને અભિવાદન કર્યુ હતુ. ભારત માતા કી જય અને વંદે માતરમ્‌ ના નાદથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિમય બન્યુ હતુ. રસ્તાની બંને બાજુ લોકો અમિત શાહનું અભિવાદન કરવા માટે સ્વયંભૂ લોકો ઉમટી પડ્‌યા હતા. આ લોકસંપર્ક યાત્રા અને ભવ્ય રોડ-શોમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રભારી પૃથ્વીરાજ પટેલ, પ્રદેશ અગ્રણીઓ, પૂર્વ સાંસદઓ, ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ તમામ ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, ગાંધીનગર/અમદાવાદના મેયર/કાઉન્સીલરઓ, ગાંધીનગર-અમદાવાદના શહેર/જીલ્લા ભાજપા પ્રમુખ/મહામંત્રીઓ, કલોલ શહેર ભાજપા પ્રમુખ/મહામંત્રીઓ, તાલુકા ભાજપાના મહામંત્રીઓ, વિવિધ સમાજના પ્રતિષ્ઠીત આગેવાનો અને બહોળી સંખ્યામાં સમર્થકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન અને પિતા કોંગ્રેસમાં જોડાયા
Next articleભારતીબેન શિયાળનું બાઇકરેલી સાથે શહેરમાં જનસંપર્ક અભિયાન