ચોકીદાર ચોર હૈના નિવેદન ઉપર રાહુલને સુપ્રીમની નોટિસ

547

સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર રાફેલ ડીલ પર ફેરવિચારણા અરજી સ્વીકાર કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ ચુકાદાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દોષિત છે તે રીતે રજૂ કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હવે મૂશ્કેલીમાં મુકાઇ ગયા છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટીસ ફટકારીને ૨૨મી એપ્રિલ સુધી જવાબ આપવા માટે આદેશ કર્યો છે. રાહુલ ગાંધીની સામે સુપ્રીમ કોર્ટના નિવેદનને ખોટી રીતે રજૂ કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ ઉશ્કેરણીજનક નિવેદન કરીને વિવાદ છેડ્યો હતો. ભાજપના નેતા મિનાક્ષી લેખીએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની સામે અપરાધિક કેસ દાખલ કરાવી દીધો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઇપણ પ્રકારની ટિપ્પણી કરી ન હતી. રાહુલ ગાંધી ઉપર સુપ્રીમ કોર્ટના નિવેદનને ખોટીરીતે રજૂ કરવાનો આક્ષેપ છે. કોર્ટે કહ્યું હતું કે, અમે આ સ્પષ્ટ કરીએ છીએ કે, રાહુલ ગાંધીએ આ કોર્ટના નામનો ઉલ્લેખ કરીને રાફેલ સોદાના સંદર્ભમાં મિડિયા અને પ્રજાને જે કંઇપણ કહ્યું હતું તેને ખોટીરીતે રજૂ કરવામાં આવ્યું હતું. અમે સ્પષ્ટ કરીએ છીએ કે, રાફેલ મામલામાં દસ્તાવેજોનો સ્વીકાર કરવા માટે તેમની કાયદેસરતા પર સુનાવણી કરતી વેળા આ પ્રકારની ટિપ્પણી કરવાનો સમય ક્યારે પણ આવ્યો ન હતો. લેખી તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતાગીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે ટિપ્પણી કરી હતી કે, હવે સુપ્રીમ કોર્ટે પણ કહી દીધું છે કે, ચોકીદાર ચોર છે. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે હાલમાં સરકારના વાંધાઓને ફગાવી દઇને રાફેલ મામલે રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજોના આધાર પર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે રાફેલના મામલામાં ૧૦મી એપ્રિલના દિવસે સુનાવણી કરતી વેળા કેન્દ્ર સરકારને મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન ઉપર નવેસરના દસ્તાવેજોના આધાર પર સુનાવણી કરવાનો ફેંસલો કર્યો હતો.સીજેઆઈ રંજન ગોગોઈના નેતૃત્વમાં ત્રણ સભ્યોની બેંચ દ્વારા સર્વસંમતિથી આ અંગેનો નિર્ણય કર્યો હતો. બેંચે કહ્યું હતુ કે, જે નવા દસ્તાવેજો ડોમેનમાં આવ્યા છે તેના આધાર પર મામલામાં રિવ્યુ પિટિશન ઉપર સુનાવણી કરવામાં આવશે. બેંચમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફ પણ હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા હવે રિવ્યુ પિટિશન ઉપર સુનાવણી માટે નવેસરની તારીખ નક્કી કરાશે. રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટને એ બાબત નક્કી કરવાની હતી કે, આની સાથે સંબંધિત ડિફેન્સના જે દસ્તાવેજો લીક થયા હતા તે આધાર પર રિવ્યુ પિટિશનની સુનાવણી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં લીક દસ્તાવેજના આધાર પર રિવ્યુ પિટિશન પર સુનાવણીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ દસ્તાવેજ વિશેષાધિકારવાળા ગુપ્ત દસ્તાવેજ છે જેથી રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવે તે જરૂરી છે. સરકારે એમ પણ કહ્યું હતું કે, જે દસ્તાવેજ પ્રશાંત ભૂષણે રિવ્યુ પિટિશનની સાથે રજૂ કર્યા છે તે વિશેષાધિકારવાળા દસ્તાવેજ અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજ છે. રાફેલ ડિલમાં પોતાના ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગ કરતી અરજીઓ ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે છેલ્લે ૧૪મી માર્ચના દિવસે લીક દસ્તાવેજો ઉપર કેન્દ્રના વિષેશાધિકારના દાવા પર આદેશ અનામત રાખી દીધો હતો. હકીકતમાં કેન્દ્ર સરકારે એ વખતે રાફેલ યુદ્ધ વિમાનો સાથે સંબંધિત દસ્તાવેજો ઉપર વિશેષાધિકારનો દાવો કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કેટલીક જોગવાઇ હેઠળ કોઇપણ સંબંધિત વિભાગની મંજુરી વગર કોઇપણ પુરાવા રજૂ કરી શકાય નહીં. એ વખતે એજીએ એમ પણ કહ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત દસ્તાવેજો પ્રકાશિત કરી શકે નહીં. રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે.

અગાઉ ૧૪મી માર્ચના દિવસે વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, રાફેલના જે દસ્તાવેજો પર એટર્ની જનરલ વિશેષાધિકારનો દાવો કરી રહ્યા છે તે દસ્તાવેજો પ્રકાશિત થયા છે.રાફેલ મામલે જોરદાર ખેંચતાણનો દોર જારી રહ્યો છે.

Previous articleજયા પ્રદાને લઇ ખુબ અશ્લિલ નિવેદન બદલ આઝમ ફસાયા
Next articleયોગીને ૭૨, માયાને ૪૮ કલાક પ્રચાર નહીં કરવા હુકમ