પ્રજ્ઞા ઠાકુર ભાજપમાં : હવે દિગ્વિજયસિંહ સામે ટક્કર

678

ભાજપે મધ્યપ્રદેશની ચાર લોકસભા સીટો ઉપર ઉમેદવારના નામની આજે જાહેરાત કરી હતી. ચર્ચાસ્પદ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા બાદ તેમને તરત જ ટિકિટ આપી દેવામાં આવી છે. પત્રકારો સાથે વાતચીત કરતા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તેઓએ સત્તાવારરીતે ભાજપની મેમ્બરશીપ સ્વીકારી લીધી છે. ચૂંટણી મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. તેમની પાસે શિવરાજસિંહ ચૌહાણનું સમર્થન છે. સાધ્વી હવે ભોપાલની સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે જેથી તેમની ટક્કર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સાથે થશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે મિડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સાધ્વી ભાજપમાં સામેલ થયા છે તે પાર્ટીની મનોદશાને રજૂ કરે છે.

સાધ્વી પ્રજ્ઞા અને દિગ્વિજય એકબીજાના જોરદાર વિરોધી તરીકે રહ્યા છે. દિગ્વિજયસિંહ કોંગ્રેસના એવા પસંદગીના નેતાઓ પૈકી એક છે જે લોકોએ યુપીએ સરકારના ગાળામાં ભગવા આતંકવાદના મુદ્દા ઉપર જોરદાર હોબાળો મચાવ્યો હતો. આજ કારણસર સાધ્વી પ્રજ્ઞા ચૂંટણી મેદાનમાં દિગ્વિજયની સામે ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી તરીકે રહ્યા છે. દિગ્વિજયસિંહ ૧૬ વર્ષ બાદ ચૂંટણી લડી રહ્યા છે. ૧૯૯૩થી ૨૦૦૩ સુધી સતત ૧૦ વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુકેલા દિગ્વિજયસિંહ ૨૦૦૩ બાદ હજુ સુધી કોઇપણ લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી. ૨૦૦૮માં સાધ્વી પ્રથમ વખત ચર્ચામાં આવી હતી. ૨૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટ કેસના સંદર્ભમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. નવ વર્ષ સુધી સાધ્વી જેલમાં રહ્યા હતા. હાલમાં જામીન ઉપર છે. જામીન ઉપર બહાર આવ્યા બાદ તેમનું કહેવું છે કે, સતત ૨૩ દિવસ સુધી તેમને હેરાન પરેશાન કરવામાં આવી હતી.

Previous articleહાઇકોર્ટના આદેશ બાદ ગૂગલે પ્લેસ્ટોર પરથી ટિકટોક એપ હટાવી
Next articleબીજા તબક્કાની ચૂંટણીને લઇ તૈયારી પૂર્ણ : આજે મતદાન