ગુજરાતમાં વિવાદિત પદ્માવત રિલીઝ નહી જ થાય : રૂપાણી

921
guj1312018-8.jpg

સંજય લીલા ભણશાલીની બહુચર્ચિત અને વિવાદીત ફિલ્મ પદ્માવત તા.૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થવાની અટકળો ચાલી રહી છે ત્યારે શ્રી રાજપૂત કરણી સેનાએ ગુજરાત સહિત દેશભરમાં ફિલ્મ રિલીઝ નહી કરવા સાફ ચીમકી આપી છે અને જનતા કરફયુનું એલાન આપ્યું છે. બીજીબાજુ, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ફરી એકવાર સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત રાજયમાં વિવાદીત પદ્માવત ફિલ્મ રિલીઝ કરવા દેવામાં નહી આવે. વિધાનસભા ચૂંટણી પહેલાં ગત નવેમ્બર માસમાં રાજય સરકાર દ્વારા આ ફિલ્મની રિલીઝ પર જે પ્રતિબંધ મૂકાયો હતો, તે યથાવત્‌ રહેશે. પદ્માવત ફિલ્મના રાજપૂત સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે ગુજરાત સરકારે તેનું વલણ સ્પષ્ટ કરી દેતાં શ્રી રાજપૂત કરણી સેનાને ગુજરાત પૂરતી બહુ મોટી રાહત મળી છે. શ્રી રાજપૂત કરણી સેના દ્વારા દેશની તમામ જનતાને જાહેર અપીલ કરી જનતા કરફયુનું એલાન કરવામાં આવે છે અને કોઇપણ સંજોગોમાં ફિલ્મની રિલીઝ પ્રતિબંધિત કરવા ફરી એકવાર ઉગ્ર માંગણી કરે છે. દેશના આઠ રાજયોમાં આ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. તેમણે ઉમેર્યું કે, માત્ર નામ બદલવાથી કે તેમાં ફેરફાર કરવા માત્રથી અમર ઇતિહાસ બદલાઇ જવાનો નથી. અમે કોઇપણ રીતે ફિલ્મને રિલીઝ નહી  થવા દેવા મક્કમ છીએ.