હવાઈ હુમલા બાદ રાહુલ-લાલૂના આવાસો પર માતમની સ્થિતિ હતી

684

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન આવતીકાલે યોજાનાર છે ત્યારે પાંચમાં અને અન્ય તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો તબક્કો જારી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે સીતામઢી અને અન્ય જગ્યાઓ ઉપર ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો જેમાં વિપક્ષ ઉપર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, ભારત દ્વારા પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધી અને લાલૂ યાદવની ઓફિસમાં માતમની સ્થિતિ છવાઈ ગઈ હતી. અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદી અડ્ડાઓ ઉપર કાર્યવાહી બાદ રાહુલ અને લાલૂ યાદવની ઓફિસમાં સન્નાટો પસરી ગયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશભરમાં આતંકવાદ સામે કાર્યવાહીને લઇને ખુશીનું મોજુ હતુ ત્યારે આ બે નેતાઓ આશ્ચર્યચકિત હતા. પાકિસ્તાન અને કોંગ્રેસ તેમજ લાલૂ-રાબડીની ઓફિસમાં માતમની સ્થિતિ હતી.

અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે, જવાનો ઉપર વારંવાર છુપા હુમલા કરનાર ત્રાસવાદીઓ સામે કઠોર કાર્યવાહી કરવામાં આવી હતી. પાકિસ્તાનને અમે સ્પષ્ટપણે કહી દેવા માંગતા હતા કે ત્યાં કોઇ ગોળી આવશે તો અહીંથી પ્રચંડ ગોળો ઝીંકવામાં આવશે. ગઠબંધન ઉપર આકરા પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, કાશ્મીરમાં કોંગ્રેસના સાથી તરીકે ઓમર અબ્દુલ્લા છે. ઓમર અબ્દુલ્લા કહે છે કે, કાશ્મીરમાં બીજા વડાપ્રધાન હોવા જોઇએ. તેઓ ઇચ્છે છે કે, કાશ્મીર ભારતથી અલગ થઇ જાય પરંતુ જ્યાં સુધી ભાજપના કાર્યકરો અને ભાજપના લોકો છે ત્યાં સુધી કાશ્મીર ભારતના અખંડ ભાગ તરીકે રહેશે. દેશમાં પૂરબથી પશ્ચિમ, ઉત્તર દક્ષિણ તમામ જગ્યાઓએ મોદીના નારા સંભળાઈ રહ્યા છે. આ નારા દેશની પ્રજા એટલા માટે લગાવી રહી છે કે, ૭૦ વર્ષથી દેશ જે શાસનની ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે શાસન મોદી સરકારે આપ્યું છે. સીતામઢીમાંથી ભાજપ જેડીયુ ગઠબંધનના ઉમેદવાર સુશીલકુમારની તરફેણમાં પ્રચાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, લાલૂ અને રાબડીના રાજમાં બિહારમાં જાતિવાદ અને અપહરણના બનાવ સામાન્ય હતા. બળાત્કારના બનાવો બનતા હતા. ટ્રાન્સફર ઇન્ડસ્ટ્રી ચાલી રહી હતી. બિહારને આ જંગલ રાજમાંથી મુક્તિ નીતિશકુમાર અને સુશીલ મોદી દ્વારા આપવામાં આવી છે. એનડીએના શાસનકાળમાં જ લોકોને જંગલ રાજમાંથી મુક્તિ મળી છે. યુપીએની સરકારે બિહારને એક લાખ ૯૩ હજાર કરોડ રૂપિયા આપ્યા હતા જ્યારે મોદી સરકારે બિહારમાં વિકાસ માટે પાંચ વર્ષમાં ૬ લાખ ૬ હજાર કરોડ રૂપિયા આપ્યા છે. મોદી સરકાર ૧૩૩ યોજનાઓ લઇને આવી છે. ગરીબો, ખેડૂતો, યુવાનો, દલિતો અને પછાતો માટે યોજનાઓ લાવવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના ૨૪ લાખ લોકોને મફત સારવારની સુવિધા મળી છે. મોદી શાસન જોઇએ છે કે પછી લાલૂના જંગલ રાજની જરૂર છે તે અંગે મતદારો નક્કી કરશે.

Previous articleગુજરાતમાં ગરમીનો કેર અકબંધ : પારો ૪૭
Next articleમમતા, માયાવતી અને નાયડુ પીએમ પદ માટેના ઉમેદવાર