રખિયાલની ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ માટે બાળકોની લાઇનો લાગી

619

એક તરફ સરકાર દ્વારા ગરીબ બાળકોના ભણતર માટે અવનવી યોજનાઓ અમલી કરવામાં આવે છે. ત્યારે દહેગામ તાલુકાના રખિયાલ ગામના આસપાસના વિસ્તારના બાળકો ધોરણ-૯માં એડમીશન લેવા માટે લાઇનો લગાવી અને છેલ્લા ત્રણ દિવસથી ઉભા છે. રખિયાલમાં હાલ ત્રણ ગ્રાન્ટેડ શાળાઓ છે જે પૈકી એક પ્રકાશ વિદ્યાલયમાં સારૂં શિક્ષણ હોવાને લીધે બાળકો ત્યાં ભણવા માટે વધુ રસ દાખવતા હોય છે.

બાકીની ર શાળાઓ પૈકી એક શાળામાં ઉત્તર બુનિયાદી હોવાને લીધે વિષયો બદલાતા હોવાથી બાળકો ભણવા તૈયાર નથી અને બીજી શાળામાં માત્ર ૧૦ ધોરણ સુધીની જ માન્યતા પ્રાપ્ત હોવાને લીધે અને શિક્ષણ વ્યવસ્થામાં ખામીઓ હોવાને લીધે ભણવા જતા નથી ત્યારે રખિયાલ ગામના આસપાસના વિસ્તારના ગરીબ વર્ગના બાળકો ક્યાં જાય તે મુશ્કેલીમાં મુકાયા છે.

દહેગામ તાલુકાના રખિયાલ તાબાના ગામો પૈકી આજુબાજુના ૩૦ જેટલા ગામોના બાળકોને ધોરણ-૯માં એડમીશન માટે ક્યા જવું તે મુશ્કેલી સર્જાઇ છે. રખિયાલ ગામમાં સારામાં સારૂં શિક્ષણ પ્રદાન કરતી સરકારી ગ્રાન્ટેડ શાળા પ્રકાશ વિદ્યાલયમાં ૯માં ધોરણમાં અભ્યાસ માટે હાલ ૩૦૦ વિદ્યાર્થીઓને શમાવી શકાય તેવી વ્યવસ્થા છે.

બાકીની ર ગ્રાન્ટેડ શાળાઓ પૈકી એક શાળામાં ૧૦માં ધોરણ સુધીની જ વ્યવસ્થા છે અને ત્યાંનું શિક્ષણ વ્યવસ્થામાં ખામીઓ હોવાને લીધે બાળકો ત્યાં એડમીશન લેતા નથી અને એક શાળા ઉત્તર બુનિયાદી પદ્ધતિથી ભણાવતી હોવાને લીધે બાળકો માટે વિષયો બદલાઇ જાય છે આ બધી બાબતોને લઇ અને રખિયાલની પ્રકાશ વિદ્યાલયમાં બાળકોના એડમીશન માટે લાંબી લાઇનો જોવા મળતી હોય છે. ખાનગી શાળાઓની ફી ન ભરી શકતા હોવાથી તે સ્કૂલોમાં આ ગરીબ વર્ગના બાળકોની મુશ્કેલી વધી રહી છે.

ગ્રાન્ટેડ શાળામાં પ્રવેશ માટે હેરાન ગતિ થઇ રહી છે. તેની સામે સ્થાનિક આગેવાન અરવિંદસિંહ કાળુસિંહએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ છે અને પ્રક્રિયાના પ્રથમ દિવસથી જ બાળકો એડમીશન લેવા ગયા તો કહેવામાં આવ્યું કે હાલ તમારો વારો નથી, આવું સાંભળી વિદ્યાર્થીઓ પરત ફર્યા હતા અને આજે ફરી એડમીશન માટે ગયા તો સીટો ફુલ થઇ ગઇ હોવાની વાત કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજુબાજુના ગામના બાળકોને એડમીશન માટે પ્રાધાન્ય નથી આપવામાં આવતું.

Previous articleસુઈગામ / દુદોસણમાં પાણીના પોકાર, સમ્પ એક સહારો
Next articleગુડાની આવાસ યોજનામાં સમસ્યાઓથી વસાહતીઓ ત્રસ્ત