દારૂ પકડવા ગયેલા PSIને બુટલેગરે કાર નીચે કચડ્‌યો

1175

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાંથી ખુલ્લેઆમ સમગ્ર રાજ્યમાં દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે અને ગાંધીનગરના હપ્તા રાજમાં બુટલેગરો, દારૂની લાઇન ચલાવનારા અને ખેપીયાઓને પોલીસનો ડર કે બીક જ ન હોય તેમ ગુરૂવારે રાત્રે રાણી બોર્ડર નજીક પડાળા ત્રણ રસ્તા ખાતે દારૂની ગાડી પકડવાનો પ્રયાસ કરનાર વિજયનગર પીએસઆઇ ને ઉડાડી દેવાના મનસૂબા સાથે પીએસઆઇ પર કાર ચઢાવી દેતા ડાબા પગે ગંભીર ઇજાઓ થઇ હતી. શામળાજી બાદ વિજયનગર પીએસઆઇની હત્યાનો નિષ્ફળ પ્રયાસને પગલે ‘ખાખી’ની આબરૂ એરણે ચઢી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર વિજયનગર પીએસઆઇ યોગેન્દ્રસિંહ ચૌહાણને બાતમી મળી હતી કે અમદાવાદ ઇસ્ટ વસ્ત્રાલ ર્પાસિંગની કાર લઇને કેટલાક શખ્સો દારૂ ભરીને રાણી બોર્ડર બાજુથી આવી રહ્યા છે બાતમીને પગલે પીએસઆઇ સ્ટાફ સહિત નવાગામ ધનેલાથી પાડેળા તરફ જતા રસ્તા પર પહોંચી ગયા હતા અને વોચમાં હતા તે દરમિયાન સવા અગિયારેક વાગ્યે બાતમીવાળી કાર આવી પહોંચતા તેને ઉભી રખાવી હતી.

નંબર વગરની લખેલ કારની ચકાસણી કરવા પીએસઆઇ યોગેન્દ્રસિંહ ચૌહાણ પોલીસ જીપમાંથી નીચે ઉતરતાની સાથે જ પીએસઆઇને ઉડાવી દેવાના મનસુબા સાથે કાર ચડાવી દઇ ખેપીયા ફરાર થઇ ગયા હતા. પીએસઆઇ પર જીવલેણ હુમલો થતા સાથી પોલીસકર્મીઓ હતપ્રભ થઇ ગયા હતા. યોગેન્દ્રસિંહ ચૌહાણને પહેલા વિજયનગર રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ હિંમતનગર ખસેડવામાં આવ્યા હતા.

હુમલો કરનારને ઝડપી લેવાશેઃ આઇપીસી ૩૦૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પીએસઆઇ પર હુમલો કરનારને ઝડપી ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે.

શામળાજી પીએસઆઇ એ.કે. વાળાની પણ આવી જ રીતે હત્યા કરાઇ હતીઃ શામળાજી ચેક પોસ્ટ ખાતે આવી જ મોડસ ઓપરેન્ડીથી દારૂની ખેપ મારતા ચાલકે પીએસઆઇ એ.કે. વાળા પર કાર ચઢાવી દઇ હત્યા કરી હતી. ઉચ્ચસ્તરેથી ચલાવાતી દારૂની લાઇનો, સ્થાનિક પોલીસની લાચારીને કારણે બુટલેગરો બેફામ બનતા ખેપીયાઓને ખાખીનો સ્હેજ પણ ડર રહ્યો નથી.

Previous articleફિકસ-પે ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર : કેસ હવે ચાલશે
Next articleવીએસ હોસ્પિટલમાં મૃતદેહની અદલા-બદલીઃ સર્વન્ટની ભૂલના કારણે બનાવ બન્યો