ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાથી ભારે નુકસાન, ઘરોના પતરા ઉડ્‌યાં, વૃક્ષો નીચે વાહનો દબાયા

621

અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાથી વ્યાપક નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે ત્રણ પશુઓના મોત થયા છે. જ્યારે કેટલાય વિસ્તારમાં હજુ અંધારપટ છે. ભારે પવનને લીધે ૫૦થી વધુ મકાનો અને તબેલાના પતરા ઉડતાં નુકસાન પહોંચ્યું છે. પતરા ઉડીને ઝાડ પર અટક્યા હોવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ઉપરાંત ૧૦૦થી વધુ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં ૧૦થી વધુ વાહનો ઝાડ નીચે દબાયા છે. ભારે પવન ફૂંકાતા ટીંટોઈ, જાલીયા, બોલુન્દ્રા, ઈસરોલ, ઉમેદપુરમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અચાનક આવેલા કમોસમી વરસાદે ઉભા પાકને નુકશાન પહોંચાડ્‌યું છે. મોડાસા પંથકમાં બાજરી અને મકાઈના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. ઉભા પાકનો સોંથો વળી ગયો છે. ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડાને લઈ નુકસાન પહોંચ્યું છે. અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે. જ્યારે મગફળીના પાકને પણ ભારે નુકસાન થયું છે. અરવલ્લીમાં વાવાઝોડાને રાજેન્દ્રનગર હાઇવે બંધ થતાં ૫ કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. શનિવારે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠામાં ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં તેજ પવનની સાથે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

Previous articleમહિલાઓના ગર્ભાશયની કોથળીની સર્જરી સરકારી હોસ્પિટલોમાં જ થશે
Next articleરાહુલ-પવાર સાથે સતત બીજા દિવસેય નાયડુની વિસ્તૃત ચર્ચા