વીવીપેટ સ્લીપના વેરિફિકેશન માટેની ચૂંટણી પંચ સમક્ષ માંગ

760

લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા જ ઈવીએમ અને વીવીપેટના મુદ્દા ઉપર ફરીવાર હોબાળો શરૂ થઇ ગયો છે. આ સંદર્ભમાં આજે તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિતના ૨૨ વિરોધ પક્ષોના નેતાઓ ચૂંટણી પંચને મળવા માટે પહોંચ્યા હતા. વિપક્ષે ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી હતી કે, ૨૩મી મેના દિવસે મતગણતરી શરૂ થતાં પહેલા કોઇપણ ક્રમમાં ચૂંટાયેલા પોલિંગ સ્ટેશનોની વીવીપેટ સ્લીપમાં તપાસ કરવી જોઇએ. વિપક્ષી દળોએ એવી માંગ પણ કરી છે કે, જો કોઇ એક બૂથ ઉપર વીવીપેટ સ્લીપ મેચ થતાં નથી તો સંબંધિત વિધાનસભા ક્ષેત્રમાં તમામ મતદાન કેન્દ્રોની વીવીપેટની અરજીની ગણતરી કરવી જોઇએ.

સાથે સાથે તેના ઇવીએમ રિઝલ્ટ સાથે મુલ્યાંકન કરવાની જરૂર છે. ચૂંટણી પંચના અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતાગુલામ નબી આઝાદે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, અમે માંગણી કરી રહ્યા છે કે, વીવીપેટ સ્લીપના મેચિંગ પહેલા કરવા જોઇએ. જો કોઇ ભુલ નજરે પડે તો એ ક્ષેત્રમાં તમામની ગણતરી થવી જોઇએ. બીજી બાજુ ચૂંટણી પંચે કહ્યું છે કે, સ્ટ્રોંગરુમમાં ઇવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ચૂંટણી પંચે ઉપયોગ કરવામાં આવેલા વોટિંગ મશીનની હેરાફેરીના આક્ષેપોને પણ રદિયો આપ્યો હતો. તમામ આક્ષેપો અને ફરિયાદોને ફગાવી દઇને ચૂંટણી પંચે કહ્યું છે કે, તેઓ સ્પષ્ટતા કરી દેવા માંગે છે કે, આ પ્રકારના આક્ષેપ અને અહેવાલ આધારવગરના છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતુંકે, છેલ્લા ઘણા મહિનાથી ચૂંટણી પંચ સમક્ષ વારંવાર રજૂઆત છતાં હવે ચૂંટણી પંચે કહ્યું છે કે, તેઓ મામલે બુધવારે બેઠક યોજશે. ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે, જનાદેશનું સન્માન કરવા માટે કહેવામાં આવ્યું છે. બસપના નેતા સતિષચંદ્ર મિશ્રાએ કહ્યું હતું કે, ઇવીએમને લઇને ઉત્તરપ્રદેશમાં મોટાપાયે ગેરરીતિ થઇ શકે છે જેથી કેન્દ્રીય દળોની ગોઠવણી થવી જોઇએ. વિપક્ષી નેતાઓએ અનેક સ્થળો પર સ્ટ્રોંગરુમથી ઇવીએમના ટ્રાન્સફર સાથે જોડાયેલી ફરિયાદોને લઇને પણ કાર્યવાહીની માંગ કરી હતી. આ પહેલા વિપક્ષી નેતાઓએ દિલ્હીમાં બેઠખ યોજી હતી. મંગળવારના દિવસે ચૂંટણી પંચને સોંપવામાં આવેલા ૨૨ પક્ષોના મેમોરેન્ડમમાં જે મુખ્ય વિપક્ષી નેતાઓએ હસ્તાક્ષર કર્યા છે તેમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલ, અશોક ગહેલોત, ગુલામ નબી આઝાદ, અભિષેક મનુ સિંઘવી, રાજ બબ્બર, ટીડીપીના નેતા ચંદ્રબાબુ નાયડુ, સપાના રામગોપાલ યાદવ, સીપીઆઈએમના સીતારામ યેચુરી, તૃણમુલના બેરેક બ્રાયન, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, બસપના નેતા સતિષચંદ્ર મિશ્રા, ડીએમકેના કાનીમોઝી, આરજેડીના મનોજ ઝા, એનસીપીના પ્રફુલ પટેલ અને માજીદ મેમણ અને એચએએમના રજનીશકુમારનો સમાવેશ થાય છે. ૨૨ વિરોધ પક્ષના નેતાઓએ આજે ચૂંટણી પંચને મળ્યા હતા અને મતોની ગણતરી પહેલા પસંદ કરવામાં આવેલા પોલિંગ સ્ટેશનોના વીવીપેટ સ્લીપના વેરિફિકેશનની માંગ કરી હતી. રાજકીય પક્ષો દ્વારા અનેક તર્કદાર દલીલો કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વીવીપેટ વેરિફિકેશન દરમિયાન કોઇ ગેરરીતિ દેખાય તો કાર્યવાહી થવી જોઇએ. લોકસભાની ચૂંટણીના પરિણામ આડે કલાકોનો ગાળો રહ્યો છે ત્યારે હોબાળો થઇ રહ્યો છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આજે બેઠક યોજી હતી. એક્ઝિટ પોલના તારણોને ફગાવી દઇને બિનએનડીએ સરકારની રચના કરવાની શક્યતા ચકાસવામાં આવની રહી છે. આજે યોજાયેલી બેઠકમાં રાજકીય પક્ષોએ વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. આ બેઠકમાં ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવાનો નિર્ણય કરાયો હતો. નાયડુના નેતૃત્વમાં આ બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ૧૦૦ ટકા ઇવીએમની સાથે વીવીપેટના મેચિંગનો મુદ્દો છવાયો હતો.

Previous articleદેલવાડ ગામની નદીના કોતરોમાં ૨૦ દિવસથી દીપડો ફરી રહ્યો છેઃ ભયનો માહોલ
Next articleરિસેટ-૨બી ઉંડાણ ભરવા સંપૂર્ણ સુસજ્જ