ચૂંટણી પૂર્ણ થતાં મોંઘવારી આસમાનેઃ તુવેર દાળ સહિત અન્ય કઠોળના ભાવમાં ભડકો

690

રાજ્યમાં દૂધ અને શાકભાજી બાદ હવે તુવેરની દાળ સહિત અનેક દાળ અને કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં વેચાતી દાળના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં તુવેર દાળમાં સૌથી વધુ પ્રતિ કિલોએ ૨૦થી ૨૫ રૂપિયાનો વધારો થયો છે, જ્યારે અડદદાળ, ચણાદાળ અને મગ દાળના ભાવ ૧૦થી ૧૫ રૂપિયા વધ્યા છે. આ ભાવ વધારાથી સૌથી વધારે અસર ગૃહિણીઓના બજેટ પર પડી શકે છે.ગુજરાતમાં બેફામ વધારાના લીધે દરેક વર્ગની વ્યક્તિના ઘરના બજેટ ખોરવાયા છે. દાળ- કઠોળ, ચોખા, શાકભાજી જેવી રોજિંદા જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં ધરખમ મોંઘવારી જોવા મળી રહી છે. જે તુવેર દાળ પહેલા ૬૫ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ મળતી હતી, તે હવે ૨૦થી ૨૫ રૂપિયાના વધારા સાથે ૯૦ રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય રહી છે. આ પહેલા પણ તુવેરની દાળના ભાવમાં વધારો થતો રહ્યો છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવા માટે તુવેર દાળના વિતરણ સસ્તા કઠોળની દુકાન મારફતે શરૂ કરાયું છે, પરંતુ તે સામે અન્ય માર્કેટમાં કઠોળના ભાવમાં બેફામ વધારો કરવામાં આવ્યો છે.

હાલમાં દૂધમાં પણ લિટરે ૨ રૂપિયા સુધીનો વધારો થયો છે, અને શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા કોઇ અણસાર દેખાતા નથી. તો બીજી બાજુ કઠોળના ભાવમાં પણ આટલો મોટો વધારો થતા ગૃહિણીઓના બજેટ પર મોટી અસર પડી શકે તેમ છે. આ વખતે ખેડૂતો દ્વારા કઠોળનું વાવેતર ઓછું થવાથી કઠોળના ભાવમાં અચાનક વધારો થયો હોય તેવું અનુમાન લગાવાય છે.

Previous articleરિસેટ-૨બી ઉંડાણ ભરવા સંપૂર્ણ સુસજ્જ
Next articleએક્ઝિટ પોલ્સથી હિંમત હારશો નહીં, સ્ટ્રોંગ રૂમ્સ પર ચાંપતી નજર રાખજો : પ્રિયંકા