રૂપાણી કેબિનેટમાં મોટાપાયે ફેરફાર કરવાનો તખ્તો તૈયાર

815

આગામી તા.૩૦મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી સરકારના શપથ ગ્રહણ બાદ ગુજરાતમાં રૂપાણી સરકારના મંત્રી મંડળમાં પણ મોટા પાયે ફેરફારો કરવાની દિશામાં સરકાર અને સંગઠન સક્રિય થયા હોવાનું જાણવા મળ્યું છે.

ખાસ કરીને મંત્રી પરબત પટેલે સાંસદ તરીકે ચૂંટાયા બાદ રાજીનામું આપતા ખાલી પડેલા મંત્રીપદ ભરવાની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા તલપાપડ બનેલા અલ્પેશ ઠાકોરને પણ મંત્રીપદ આપવા અંગે ચર્ચાઓ હવે તેજ બની છે. સરકારના વર્તમાન મંત્રી મંડળમાં પણ ખાતા ફેરફાર કરવામાં આવે એવી શક્યતાઓ છે. ખાસ કરીને પ્રદિપસિંહ જાડેજાની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલના ખાતામાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઇ રહી છે.  ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેબિનેટમાં સ્થાન આપીને તેમના બદલે હાલના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ગૃહ રાજ્યમંત્રી પદ આપવામાં આવે એવી શક્યતાઓ છે.

આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગનો હવાલો સંભાળી રહેલા મુખ્યમંત્રી પણ આ વિભાગ કોઈ અન્ય મંત્રીને આપે એવી સંભાવના છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં સમાવવા અને મંત્રીપદ આપવા અંગે હાલ ચર્ચા અને અટકળો ચાલી રહી છે. જો કે, ગઇકાલે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ૨૦ મિનિટ સુધી બંધબારણે બેઠક બાદ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની શકયતા પ્રબળ બની જણાય છે. જેમાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી બીજા ધારાસભ્યોને પણ ભાજપમાં લઈ આવે તો તેને મંત્રીપદની લ્હાણી કરાય તેમ છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ભાજપના ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા.

જેને પગલે પરબત પટેલ (બનાસકાંઠા), એચએસ પટેલ(અમદાવાદ-પૂર્વ), ભરતસિંહ ડાભી(પાટણ) અને રતનસિંહ(પંચમહાલ)એ ધારાસભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે અને હવે રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ફેરફારની વકી છે.

Previous articleપોરબંદરના હવાઈ મથકના વિસ્તૃતીકરણ મામલે બેઠક
Next articleઘણો જ વ્યાધિ : સંવેદનશીલ આંતરડુ