ઔડાના મકાન અપાવવાની લાલચ આપી રૂ.૩૨.૪૮ લાખની છેતરપિંડી

1056

શહેરના શાહપુર અને દાણીલીમડા વિસ્તારમાં રહેતા લોકોને દુધેશ્વર જ્યુપિટર મિલ અને શાહ આલમ ટોલ નાકા પાસે આવેલા ઔડાના મકાનમાં મકાન આપવાની લાલચ આપી રૂ.૩૨.૪૮ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે કારંજ પોલીસે પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ પાંચ આરોપીમાં અલી હુસૈન ઉર્ફે બાદશાહ અને તેની પત્ની નાઝમીન બાનુ, રાકેશ સથવારા, શાહિદ ઉર્ફે બાબા મન્સુરી અને સલીમભાઈ ફોરમેનનો સમાવેશ થાય છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય આરોપી અલી હુસૈન બીજા આરોપી એવા રાકેશ સથવારાની મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારી તરીકે ઓળખ આપતો હતો.આ આરોપીઓએ અલગ અલગ ૧૨ જેટલા લોકોને મકાન આપવાની લાલચ આપી હતી. તેમજ ઔડાનાં મકાન બતાવીને તેમાં તમારૂ મકાન છે તેમ કહીને પઝેશન લેટર પણ આપ્યા હતાં.

આરોપીઓએ ફરિયાદી મહમ્મદ યુનુસ મહમ્મદ ઈબ્રાહીમ પઠાણ તથા તેના સગા સંબંધીઓના ટૂકડે ટૂકડે કુલ ૧૪ લાખ ૪૮ હજાર અને ફરિયાદીના મિત્ર અબ્દુલ હમીદભાઈ તથા તેમના સગા સંબંધીઓના ૧૮ લાખ રૂપિયા મેળવી બોગસ ટોકન અને નાણાં ભર્યા હોવાની સહી-સિક્કા વાળી પહોંચો તથા હાઈકોર્ટના હુકમનો બોગસ પત્ર આપી કુલ ૩૨.૪૮ લાખની છેતરપિંડી આચરી છે.

Previous articleબનાસકાંઠાઃ દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને દોરડા વડે બાંધીને કૂવામાં ફેકી
Next articleઇડરમાં યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણઃ ૧૦૦ના ટોળાં સામે ફરિયાદ