વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તે પહેલા જ તેની અસર કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. વલસાડના તિથલના દરિયાકાંઠે વાયુની અસરના ભાગરૂપે મોટાં મોજા ઉછળી રહ્યા હતા. બુધવારે સવારે દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા હતા. દરિયા તોફાની બનતા લોકોને કિનારે ન જવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરિયાકિનારાને ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. કાંઠાના ગામોમાં પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. જરૂર પડે તો લોકોનું સ્થળાંત કરવાની પણ તંત્રએ તૈયારી રાખી છે. આ માટે ટીમો તૈયાર રાખવામાં આવી છે. વાયુ વાવાઝોડાના પગલે દરિયા તોફાની બનતા કાંઠે ચેતવણીના બેનરો લગાવવામાં આવ્યા છે. લોકો તેમજ સહેલાણીઓને દરિયો તોફાની હોવાથી કિનારાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું છે.


















