આજે ભગવાન જગન્નાથની શાનદાર જળયાત્રા

787

અમદાવાદ શહેરમાં આગામી તા.૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૨મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે આવતીકાલે તા.૧૭ જુનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકળશે. આવતીકાલે જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ માટે રહેવા જશે. અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે પુનમના દિવસે જળયાત્રામાં ૧૫૧ ધ્વજ પતાકા, બેન્ડવાજા અને હાથી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવા માટે જશે. સોમનાથ ભુદરના આરેથી ૧૦૮ ધડામાં જળ ભરવામાં આવશે. સવારે ૮-૩૦ વાગ્યે ગંગાપૂજન વિધિ પૂર્ણ કર્યા બાદ સવારે ૧૦.૦૦ વાગ્યે આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવશે. ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ તેમને સવારે ૧૧.૦૦ વાગ્યે ગજવેશ ધારણ કરાવવામાં આવશે. સમગ્ર વર્ષમાં આ એક જ દિવસ હોય છે કે જયારે ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવતો હોય છે, જે બહુ શુભ અને ભવ્ય હોય છે. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. આવતીકાલે ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાયે તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકાળવામાં આવશે. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થશે અને સાંજે છ વાગ્યે વાજેત ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરશે. તા.૧૭મી જૂનથી તા.૨ જૂલાઇ દરમ્યાન રોજ સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન સરસપુર મંદિર ખાતે પણ ભકતજનો દ્વારા ખાસ કરીને મહિલાઓ-બહેનો દ્વારા ભજન-ધૂનના ભકિત કાર્યક્રમો જામશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યા બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે અને એ જ દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે નગરજનોના ખબરઅંતર જાણવા નગરયાત્રાએ નીકળશે અને એ જ ભવ્ય રથયાત્રા. અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા પછીની દેશની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે. અમદાવાદના જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે નિજમંદિરે પરત ફરે છે. રથયાત્રા એ એક એવો લોકોત્સવ અને ભકિતપર્વ બની ગયું છે કે જેમાં સ્વયં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભક્ત સમુદાયને ઉમળકાભેર મળવા વાજતે-ગાજતે નગરના રસ્તે નીકળી પડે છે ને સહુ તેને જય રણછોડ માખણચોરના દિક્ઘોષથી વધાવતાં રહે છે. ૧૪૧ વર્ષ પહેલાં અમદાવાદમાં ૧૮૭૮માં શરૂ થયેલી રથયાત્રાની પરંપરા હવે તો એક આગવી ઓળખ બની ગઇ છે. રથયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે, જેમાં લાખો શ્રધ્ધાળુ ભકતો ઉપરાંત દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો સહિતના અનેક મહાનુભાવો જોડાય છે.

નગરજનો પણ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, બલરામના ઘેરબેઠા દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Previous articleપાકિસ્તાન સામે મેચને લઈ સમગ્ર ગુજરાતમાં ક્રિકેટ ફિવર
Next articleતા.૧૭-૦૬-ર૦૧૯ થી ૨૩-૦૬-ર૦૧૯ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય