લીંબડિયા બ્રિજ પાસે ખાડો ન પુરાતાં ૪ ફૂટ પાણી ભરાયાંઃ ડિવાઇડર તોડવું પડ્‌યું

488

નરોડા-હિંમતનગરના હાઇ વેને સિક્સ લેન બનાવવામાં લિંબડિયા બ્રીજ પાસે વરસાદી પાણીનો નિકાલ નહી થતાં ગત મંગળવારે ખાબકેલા વરસાદને પગલે ચારેક ફુટ પાણી ભરાઇ ગયું હતું. પાણીને લીધે વાહન વ્યવહાર અટકી પડતા રોડનું ડિવાઇડર તોડીને ગ્રામજનોએ વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. વાહન વ્યવહાર અટકી પડતા ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી.

નરોડા-હિંમતનગર નેશનલ હાઇવેને સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. રોડ પહોળો થવાથી ટ્રાફિકની અને અકસ્માતની સમસ્યાને ચોક્કસ ઉકેલાશે. પરંતુ હાઇવે બનાવવાની કામગીરી કરતી કંપની દ્વારા વરસાદી પાણીના નિકાલ થશે કે નહી.

હાઇવે પરના ગામોના સ્થાનિક લોકોને કોઇ મુશ્કેલી પડશે કે નહી સહિતની બાબત ધ્યાનમાં રાખવામાં નહી આવતા ગામડાઓના ગ્રામજનોને હાલાકી પડી રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. હાઇવે ઉપર આવેલા લિંબડિયા બ્રીજના છેડે ખાડો રાખ્યો હતો. ખાડામાં પાણી ભરાય તો તેના નિકાલની જ વ્યવસ્થા કરી ન હતી. પરિણામે વરસાદને પગલે લિંબડિયા બ્રીજની પાસે ચારેક ફુટ પાણી ભરાયું હતું.

પાણી ભરાવાથી રાત્રે વાહન વ્યવહાર અટકી પડ્‌યો હતો અને ચક્કાજામના દ્દશ્યો સર્જાયા હતા. સવાર સુધી પાણીનો નિકાલ નહી થતાં લિંબડિયા ગ્રામજનોએ રોડને તોડીને પાણીનો નિકાલ કરીને ઠપ્પ થઇ ગયેલો વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હોવાનું લિંબડિયા ગામના સરપંચ હર્ષદભાઇ પટેલે જણાવ્યું છે.

નરોડા-હિંમતનગર હાઇવેને સિક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. જેમાં વરસાદી પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા નહી કરાતા પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવી સ્થિતિ બની હતી. વરસાદના પગલે ચારેક ફુટ જેટલા પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. આથી હાઇવે ઉપર દસ કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી હોવાનું લિંબડિયા ગામના સરપંચે જણાવ્યું હતું.

Previous articleગાંધીનગરના ઘોળેશ્વર રોડ નજીક ખોદકામની પ્રવૃત્તિ હાથ ધરાતા વાહન ચાલકોને અકસ્માતનો ભય વધ્યો
Next articleરેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી ૧૭૬ બેરોજગાર પાસેથી ૩૬ લાખ રૂપિયાની ઠગાઇ, ૫ ઝડપાયા