૯ ધોરણ પાસ ૬૯ વર્ષીય ખેડૂતે બનાવ્યું ખાતર નાખવાનું ભારતનું પ્રથમ ‘હાઇડ્રોલીક મશીન’

613

પાલનપુર તાલુકાના કાણોદર ગામના ૯ ધોરણ નાપાસ ૬૯ વર્ષીય ખેડૂતે સરળ ખેતી માટે નવી ટેક્નોલોજીની શોધ કરી ખેતરમાં છાણિયું ખાતર નાખવાનું ભારતનું પ્રથમ હાઇડ્રોલીક મશીન તૈયાર કર્યું છે.  જેના કારણે ખેડૂતોનો સમય અને નાણાંની બચત થઈ રહી છે.

હાથમાં ઓજાર લઈને કામ કરતા ૬૯ વર્ષીય વૃદ્ધ વ્યક્તિ કોઈ કારીગર નથી પણ એક ખેડૂત છે. અને તેનું નામ આસિકભાઈ ગની છે. નવમું ધોરણ નાપાસ આ ખેડૂત ખેતીક્ષેત્રે અનોખી ટેકનોલોજી માટે સાધનો તૈયાર કરવા માટે હંમેશા મહેનત કરી રહ્યા છે. ૧૫ વર્ષ પહેલાં ખેતરમાં જે બોર પાણી વગર ફેઇલ થઈ અને નકામા થઈ જતા તેમાંથી રહેલી પાઇપો ખેડૂતો નીકાળી શકતા નહોતા ત્યારે આસિકભાઈએ તે પાઇપો નીકાળવાનું મશીન બનાવ્યું હતું. જેનાથી ખેડૂતોને હાલ પણ મોટો ફાયદો થઈ રહ્યો છે. જ્યારે ખેડૂતોને વર્ષમાં બે થી ત્રણ વાર પોતાના ખેતરમાં છાણિયું ખાતર નાખવું પડતું હોય છે.

ખાતર નાખવા માટે બહારથી મજૂરો લાવવા પડે છે જે સીઝનમાં મળતા નથી અને ખેડૂત પરેશાન થાય છે ત્યારે વર્ષોથી ખેડૂતો માટે આ સમસ્યાથી ગનીભાઈ પરેશાન હતા. અને તેમને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું મનોમન વિચારી લીધું ત્યારે કાણોદરના ખેડૂત એવા આસિકભાઈ ગનીએ ૨ વર્ષની સખત મહેનત બાદ તેમને છાણીયા ખાતર ફેદવાનુ રિમોર્ટ કંટ્રોલથી ચાલતું ટ્રોલી સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું મશીન તૈયાર કર્યું છે. ખાતર, પૈસા, લેબર અને સમયનો બચાવ કરતા છાણીયા ખાતર ફેદવાનુ આ મશીન એક વિઘા જમીનમાં માત્ર ૧૨ જ મિનિટમાં છાણિયું ખાતર નાખી દે છે. ઓટોમેટિક સિસ્ટમથી કામ કરતા ખાતર ફેદવાના મશીનમાં માત્ર એક જ ટ્રેકટર ચાલકની જરૂર પડે છે.

હાલમાં મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતરમાં ખાતર નાખવા માટે મજૂરો લાવે છે અને ખેતરમાં ખાતરના ઢગલા કરે છે. જો કે, તેમને પોતાના ખેતરમાં મજૂરો દ્વારા ખાતર નાખતા પણ બે -ચાર દિવસો થઈ જાય છે જેના કારણે ખાતર સુકાઈ જતા ખાતરના પોષકતત્ત્વો ઓછા થઈ જાય છે. જ્યારે આ મશીન દ્વારા થોડાજ સમયની અંદર ગમે તેટલા મોટા ખેતરમાં ખાતર નાખીનેએ જ દિવસે ખેતી કરાતી હોવાથી કાણોદરના આસપાસના ખેડૂતો આ અદ્યતન ટેકનોલોજી સાથેના છાણીયા ખાતર ફેદવાના મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે આ મશીનમાં સરકારી સહાય મળેતો ખેડૂતો તેને ખરીદી શકે અને તેમને મોટો ફાયદો થઈ શકે તેમ છે.

ભલે આશિકભાઈ ગની મિકેનિકલ કે એન્જીનીયરો જેવી ડિગ્રી ન ધરાવતા હોય પણ માઈન્ડ પાવર ધરાવતા ખેડૂત આસિકભાઈનું બનાવેલું આ મશીન ખેતીની ટેક્નોલોજીની ક્રાંતિ માટે કોઈ મોટા આવિષ્કારથી કમ પણ નથી. હાલ આ મશીન બનાવવાનો ખર્ચ લગભગ ૫ લાખ જેટલો આવે છે તેથી આ મશીન ખેડૂતો ખરીદી શકે તેમ નથી તે સવાલ આસિકભાઈ ગનીને સતાવી રહ્યો છે. જોકે આ મશીનની પેટર્ન પાસ થાય તે માટે  આ ખેડૂતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ ખેતીના મશીનના શોધ અંગેની સોશીયલ મીડિયાના માધ્યમ દ્વાર ટ્‌વીટર અને મેઇલથી જાણકારી પણ આપી છે. છાણીયા ખાતર ફેદવાનું આ મશીન ભારતમાં સૌ પ્રથમવાર તેમણે બનાવ્યું છે. હાલ તો આ મશીન આસિકભાઈ ગની માટે આશીર્વાદ  સમાન સાબિત થઈ રહ્યું છે પણ જો સરકાર આની ઉપર ધ્યાન આપીને કોઈ સહાય કરે તો દેશના દરેક ખેડૂત આ મશીનનો ઉપીયોગ કરીને સમયની બચત કરીને વધારે આવક કમાઈ શકે તેમ છે.

Previous articleમોડાસામાં ૧.૫ ઈંચ વરસાદ વરસતા દીવાલ ધરાશાયી થતાં બે કાર પર પડી
Next articleલેકાવાડામાં નદીમાં સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો