બિહારમાં તાવના કારણે મોતનો આંકડો હજુ પણ વધી રહ્યો છે. ૧૫૨ બાળકોના મોત થઇ ચુક્યા છે. એકલા મુઝફ્ફરપુરમાં ૧૩૧ બાળકોના મોત થયા છે જે પૈકી ૧૧૧ બાળકોના મોત કૃષ્ણા મેડિકલ કોલેજમાં થઇ ચુક્યા છે જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં ૨૦ બાળકોના મોત થયા છે. તાવના આ જીવલેણ રોગથી બાળકોના મોત થઇ રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટીતંત્રએ બાળકોના મોત અને જળપૂરવઠાને લઇને દેખાવ કરી રહેલા ૩૯ લોકોની સામે એફઆઈઆર દાખલ કરી દીધી છે. બાળકોના મોતને લઇને જળ પુરવઠામાં ઘટાડો થતાં વૈશાલી જિલ્લામાં હરિવંશપુરમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. દેખાવો કરી રહ્યા હતા. જળ પુરવઠાની સ્થિતિને સુધારવા માટે અને બિમારીની સામે પગલા લેવાની માંગ ઉઠી રહી હતી. જિલ્લા વહીવટીતંત્રએ તેમની માંગો સ્વીકારી ન હતી પરંતુ ૩૯ લોકોની સામે એફઆઈઆર દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી બાજુ ૧૫૦થી પણ વધુ બાળકોના મોત થયા બાદ બિહાર રાજ્ય સામાજિક કલ્યાણ વિભાગે આઈસીડીએસ સ્કીમને વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. આ સ્કીમ દુનિયામાં સૌથી મોટા કોમ્યુનિટી પ્રોગ્રામ તરીકે છે. ૬ વર્ષ સુધીની વયની બાળકીઓની સાથે સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે આ સ્કીમ ચલાવવામાં આવી છે. આ સ્કીમનો હેતુ સમુદાયના આરોગ્ય, પોષણ અને શિક્ષણના સ્તર સુધારવા માટેનો રહેલો છે.
આંગણવાડી કેન્દ્રો દ્વારા આ સુવિધા આપવામાં આવે છે. વૈશાલી જિલ્લામાં જે લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે લોકોના સગાસંબંધીઓનું કહેવું છે કે જ્યારે બાળકો મરી ગયા છે ત્યારે દેખાવ કેમ કરવામાં ન આવે. સગાસંબંધીઓનું કહેવું છે કે, પીવાનું પાણી પણ યોગ્યરીતે ઉપલબ્ધ થઇ રહ્યું નથી.



















